(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
સુરત જિલ્લાની બારડોલી લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી દ્વારા વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતે સભાને સંબોધન કર્યા બાદ વિશાળ રેલી કલેક્ટર કચેરી પહોંચી ઉમેદવારી નોંધાવી હતી.
બારડોલી લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીને ત્રીજી વખત ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. આજે ડો.તુષાર ચૌધરી દ્વારા વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતે દક્ષિણ ગુજરાત અને પ્રદેશના કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સભાને સંબોધન કર્યું હતું. પ્રદેશમાંથી અર્જુન મોઢવડીયા, ઈમરાન ખેડાવાલા, માજી મેયર કદીર પીરઝાદા, ધારાસભ્ય આનંદ ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી પણ કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે ડો.તુષાર ચૌધરીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ક્રિકેટર મેચ પૂરી થયા બાદ બેટ મૂકી દે છે. હેલમેટ મૂકી દે છે. ગ્રાઉન્ડ છોડી દે છે. પેડ છોડી દે છે પરંતુ મે હજુ સુધી પેડ છોડ્યા નથી. હું ફરી મેદાનમાં ઉતરી મેચ રમવાનો છું. ગત વખતે લોકસભા ચૂંટણી હારી ગયો હોવા છતાં સોનીયા, રાહુલ તેમજ કેન્દ્રીય નેતાગીરી દ્વારા મારી ઉપર જે વિશ્વાસ મુક્યો છે તેને સાબિત કરવા માટે હું તમારી મદદથી બમણા જોર સાથે ચૂંટણી લડીશ.વ્યારા બસ સ્ટેન્ડ ખાતે સભા પૂર્ણ થયા બાદ ડો.તુષાર ચૌધરી ખુલ્લી જીપમાં બેસીને હજારો કાર્યકર્તા સમર્થકોના કાફલા સાથે રેલી કાઢી હતી. વ્યારા કલેક્ટર કચેરી સુધી રેલીમાં પદાધિકારીઓ, કાર, બાઈક અને અન્ય વાહનોમાં જાડાયા હતા. જ્યારે કાર્યકરો પગપાળા પણ રેલીમાં હાજર રહ્યાં હતા. રેલી દરમિયાન ડો.તુષાર ચૌધરીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સમક્ષ ડો.તુષાર ચૌધરી દ્વારા બારડોલી બેઠક માટે પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કર્યો હતો.