(એજન્સી) તા.૬
બારાબંકીમાં પાંચ લોકોની આત્મહત્યા મુદ્દે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ભાજપના નેતૃત્વવાળી ઉત્તરપ્રદેશ સરકાર પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે, પરિવારે આર્થિક મુશ્કેલીઓના કારણે આત્મહત્યા કરી હતી. તેમણે આ પણ કહ્યું હતું કે, ભાજપ સરકાર જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ તેની પાસે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, દેશભરના લોકો ભાજપ સરકારના બદઈરાદાઓના કારણે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ પહેલાં પ્રિયંકા ગાંધીએ મુઝફ્ફરનગરમાં શેરડીના ખેડૂતોની આત્મહત્યા મુદ્દે પણ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જે દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી તે દિવસે ઉત્તરપ્રદેશ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તેઓ મોટાભાગે સેવા સત્યાગ્રહ શરૂ કરી ર૦ મેથી જેલમાં બંધ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુની મુક્તિની માગણી કરશે. આ સેવા સત્યાગ્રહ હેઠળ કોંગ્રેસ રપ લાખ લોકોને જમાડશે. રાજ્યના કોંગ્રેસ એકમે કહ્યું હતું કે, ગરીબ વિરોધી યોગી સરકારે લલ્લુને એટલા માટે જેલમાં ધકેલી દીધા કે તેઓ ગરીબ અને સ્થળાંતરિત મજૂરોને મદદ કરી રહ્યા હતા.