હિંમતનગર, તા.૧૯
વિજયનગર તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલ બાલભારતી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધો.૧૦માં ભણતા એક કિશોરે મંગળવારે મોડી રાત્રે ઝાડની ડાળી સાથે દુપટ્ટો બાંધીને જાતે ગળા ફાંસો ખાઈ લીધેલી હાલતમાં સવારે મળી આવેલી લાશ બાદ વિજયનગર પોલીસે તરત જ આશ્રમ શાળામાં જઈને સંચાલકો સાથે ચર્ચા કરી મૃતકના પરિવારજનોને બોલાવી તેમની હાજરીમાં ઝાડ પર લટકતી લાશને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ કબજે લઈને ગળા ફાંસો ખાવાના મૂળ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે વિજયનગર પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કુકડી ગામના વિપુલ મોહનભાઈ તરાલ પૃથ્વીપુરામાં આવેલ બાલભારતી આશ્રમ શાળામાં રહીને ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. આશ્રમ શાળાના નિયમ મુજબ અહીં રહેતા તમામ બાળકોને રહેવા, જમવા અને ભણવાની તમામ સુવિધા વિનામૂલ્યે મળે છે. જે અંતર્ગત વિપુલ તરાલ પણ મંગળવારે સાંજે ભોજનાલયમાં જમીને રાબેતા મુજબ દસ વાગ્યા પછી સુઈ ગયો હતો.
તો બીજી તરફ તેની રૂમમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ બુધવારે સવારે વિપુલને રૂમમાં ન જોતા તરત જ આશ્રમ શાળાની ફરતે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન શૌચાલય નજીક આવેલ આશ્રમ શાળાના કોટ પાસે આવેલ કણજીના ઝાડની ડાળી સાથે કાપડનો ઉપયોગ કરી વિપુલે ગળા ફાંસો ખાઈ લેતા તે મૃત્યુ પામેલી હાલતમાં જણાયો હતો. ત્યારબાદ તરત જ આશ્રમ શાળાના સંચાલકોની હાજરીમાં મૃતક વિપુલના પરિવારજનોને બોલાવાયા હતા અને તેમની હાજરીમાં લાશને ઝાડની ડાળીથી નીચે ઉતારવામાં આવી હતી.
વિજયનગર પોલીસને મૃતકના ખિસ્સામાંથી મળી આવેલી ચિઠ્ઠીએ ગળા ફાંસો ખાવાના મૂળ સુધી પહોંચવાની દિશામાં ઉપયોગ થશે તેવા આશાવાદ વ્યક્ત કરીને ગુનો નોંધ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લાશો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે સાબરકાંઠામાં બુધવારે બનેલી ઘટના બીજી છે.
પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું અનુમાન
મૃતક વિપુલ તરાલે કણજીના ઝાડ સાથે જે કાપડનો ઉપયોગ કર્યો હતો તે કપડુ યુવતીઓ દુપટ્ટા તરીકે ઉપયોગ કરી હોવાથી મૃતક વિપુલને અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ થયા બાદ તેમાં સફળતા ન મળી હોવાથી ગળા ફાંસો ખાવામાં દુપટ્ટાનો ઉપયોગ ઘણું બધુ કહી જાય છે. પોલીસનું માનવું છે કે, મૃતકે ગળા ફાંસો ખાવા પાછળનું કારણ પ્રમે પ્રકરણ હોવાની શક્યતા નકારી શકાતી નથી.