(એજન્સી) વિજયવાડા, તા. ૨૧
તેલુગુ કલાકાર અને તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ધારાસભ્ય એન.બાલાકૃષ્ણને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન નહીં પાળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નપુંસક’, ‘ગદ્દાર’ અને ‘નમક હરામ’ ગણાવ્યા છે. બાલકૃષ્ણને વડાપ્રધાન માટે વધુ કેટલાક બિનસંસદીય શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. વડાપ્રધા વિશે તેમની ટિપ્પણીને ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આંધ્રપ્રદેશ સાથે અન્યાય કરવા બદલ રાજ્યના મુખ્ય પ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુ એક દિવસીય ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે વિજયવાડામાં એક સભાને સંબોધતા ધારાસભ્ય બાલકૃષ્ણને વડાપ્રધાન વિશે ઉપરોક્ત ટિપ્પણીઓ કરી હતી. દરમિયાન, ભાજપે વડાપ્રધાન મોદીને લક્ષ્યાંક બનાવવા માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ બાલકૃષ્ણન સામે પગલાં ભરવાની માગણી કરી છે.
બાલાકૃષ્ણન ટીડીપીના સ્થાપક અને સુપ્રસિદ્ધ કલાકાર એનટી રામારાવના નાના પુત્ર છે. તેમણે મોદીને લક્ષ્યાંક બનાવવામાં કોઇ કચાસ બાકી રાખી ન હતી. વડાપ્રધાનને તેમના ચા વેચવાના ભૂતકાળની યાદ અપાવતા તેમણે કહ્યું કે મોદીએ આંધ્રપ્રદેશ સાથે એવો વ્યવહાર કર્યો છે જેમકે એક કપ ગરમ ચા માં કોઇ માખી પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરે છે. વડાપ્રધાને એ માખીને બચાવવાને બદલે પોતાના મોઢામાં લઇને ચાવી ગયા છે. વડાપ્રધાન માખીચુસ છે. તેમણે એવી પણ આગાહી કરી કે ભાજપ આંધ્રપ્રદેશમાં આગામી ચૂંટણીઓમાં એક સીટ પણ જીતશે નહીં.
તેમણે એવું પણ જણાવ્યું કે ટીડીપી પર હુમલા કરવા માટે અમારા હરીફોની સહાય લઇને તમે રાજકારણમાં શિખંડી (મહાભારતમાં એક નપુંસકનું પાત્ર)ની ભૂમિકા ભજવી રહ્યા છો પરંતુ તમારી સસ્તી રાજનીતિ કામમાં આવશે નહીં. તમે તમારા પ્રયાસોમાં સફળ થશો નહીં. બાલકૃષ્ણને એવું પણ જણાવ્યું કે જો તમારી પાસે હૃદય છે તો, તમારે તેલુગુ લોકોના હૃદયના ધબકારા સાંભળવા જોઇએ. માત્ર આંધ્રપ્રદેશ નહીં, સમગ્ર ભારત તમારી વિરૂદ્ધમાં છે. સમય થઇ ગયો છે લોકો તમને વારંવાર મારશે અને તમે જ્યાં જશો તમારો પીછો કરશે. જો તમે બંકરમાં જઇને બેસી જશો તોય, તમે બચી શકશો નહીં. તેમણે એવું પણ જણાવ્યું કે મોદી ગુજરાતની જેમ આંધ્રપ્રદેશમાં પણ પોતાની પકડ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મોદીજી યાદ રાખજો આ ગુજરાત નહીં આંધ્રપ્રદેશ છે. તમારી યુક્તિઓ અહીં ચાલશે નહીં. તુલગુ લોકો હિંમતવાળા છે.