(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો કરવા માટે બાલાકોટમાં કાવતરૂં ઘડવામાં આવ્યું હોવાથી ભારતીય હવાઇ દળ (આઇએએફ)એ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના બાલાકોટમાં આવેલા ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બાલાકોટ કેમ્પ જૈશ-એ-મોહંમદનું ઘર છે. જૈશ-એ-મોહંમદ આપવામાં આવેલા કોઇ પણ સમયમાં ૨૦૦-૩૦૦ની ભરતી કરી શકે છે. બાલાકોટ ફિદાયીન હુમલાખોરોની ફેક્ટરી છે. બાલાકોટના કેમ્પમાં જૈશ-એ-મોહંમદના ત્રાસવાદીઓને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ભારતીય વાયુ દળના વડા એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ ૧૫મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોવાલને માહિતી આપી હતી. બાલાકોટના કેમ્પનો નાશ કરવાનું ઘણી રીતે મહત્વનું હતું અને તેનો નાશ ભારતની દ્રષ્ટિએ એક મોટી સફળતા છે. જૈશ-એ-મોહંમદના આ કેમ્પનો ઉપયોગ અગાઉ ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહિદીન દ્વારા પણ કરવામાં આવ્યો હતો. બાલાકોટના કેમ્પ માત્ર જૈશ-એ-મોહંમદ નહીં પરંતુ અન્ય ત્રાસવાદી સંગઠનોનો એક મહત્વનો ટ્રેનિંગ શિબીર હતો. આ કેમ્પમાં ત્રાસવાદીઓ માટે રહેવા તેમ જ ટ્રેનિંગની ખાસ સુવિધાઓ હતી.