(એજન્સી) તા.ર૪
યુરોપ અને અમેરિકાના ડર્મેટોલોજીસ્ટસ (ચામડીના ડૉક્ટરો) કોવિડ-૧૯ના દર્દીને ઓળખવા માટેના નવા સંભવિત લક્ષણ અંગે ચર્ચા કરી રહ્યા છે. આ લક્ષણ ખાસ કરીને કોરોના વાયરસથી સંક્રમિત બનેલા બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. માર્ચમાં ઈટાલીના કેટલાક ડર્મેટોલોજીસ્ટસે નોંધ્યું કે કોવિડ-૧૯ના દર્દીને પગના અંગૂઠામાં અને પગમાં સોજો આવી જાય છે અને આ અંગનું વિકૃતિકરણ થઈ જાય છે. આ મહદઅંશે હિપડંખ જેવા લક્ષણો છે જે ધ્રુવપ્રદેશો અને શીત કટિબંધમાં રહેતા લોકોમાં જોવા મળે છે. અહીં પગના અંગૂઠાની રકતવાહિનીઓ પર સોજો ચડી જાય છે અને અંગુઠામાં તીવ્ર ખેંચનો અનુભવ થાય છે. આ લક્ષણને કોવિડ ટોઝ નામ આપવામાં આવ્યું છે કારણ કે, ડૉક્ટરોએ નોંધ્યું હતું કે, ઈટાલીમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો ધરાવતા વિસ્તારોના દર્દીઓમાં આ લક્ષણ જોવા મળતું હતું. હવે અમેરિકાના કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં અને ખાસ કરીને બોસ્ટનમાં કોવિડ-૧૯ના દર્દીઓમાં કોવિડ ટોઝનું લક્ષણ જોવા મળ્યું છે. અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજી સાથે સંકળાયેલા ડૉક્ટરો હવે કોવિડ ટોઝની સમસ્યા લઈ તેમની પાસે આવતા બાળકો માટે કોરોના વાયરસ ટેસ્ટની ભલામણ કરે છે. ઈટાલીમાં આ લક્ષણ ધરાવતા બાળકોમાં કોવિડ-૧૯ના અન્ય લક્ષણો જોવા મળ્યા ન હતા. આ નવા લક્ષણ અંગે વિશ્વભરના ડૉક્ટરો વચ્ચે ગંભીર ચર્ચા થઈ રહી છે.