નવી દિલ્હી, તા. ૫
દેશની સુપ્રીમ કોર્ટે આજે બાળલગ્નો પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મેરેજ નહીં પરંતુ મિરાજ (ઝાંઝવા) છે. બાળલગ્ન અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, કાયદામાં બાળ વિવાહને અપરાધ માનવામાં આવ્યું છે છતાં લોકો બાળલગ્નો કરાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સખથ ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે, આ લગ્નો નહીં પરંતુ મૃગજળ સમાન છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમારી પાસે ત્રણ વિકલ્પ છે, તેને હટાવી દેવામાં આવે એટલે કે, બાળ વિવાહ મામલે ૧૫થી ૧૮ વર્ષની યુવતી સાથે જો તેનો પતિ શરીર સંબંધ બાંધે તો તે બળાત્કાર ગણવામાં આવે. કોર્ટે કહ્યું કે, બીજો વિકલ્પ એ છે કે, આ મામલે પોસ્કો એક્ટ લાગુ કરવામાં આવે એટલે કે, જો બાળવિવાહ કેસમાં ૧૫થી ૧૮ વર્ષની યુવતી સાથે જો તેનો પતિ શરીર સંબંધ બાંધે તો તેના પર પોસ્કો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે. ત્રીજો વિકલ્પ એ છે કે, આ બાબતને અપવાદ માનવામાં આવે જેનો અર્થ એ છે કે, બાળ વિવાહ કેસમાં ૧૫થી ૧૮ વર્ષની યુવતી સાથે જો તેનો પતિ શરીર સંબંધ બાંધે તો તેને બળાત્કાર ગણવામાં ન આવે.
બીજી તરફ અરજકર્તા તરફથી મંગળવારે દલીલ આપવામાં આવી હતી કે, બાળ વિવાહને કારણે બાળકોના અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. બાળવિવાહ બાળકો પર એક પ્રકારનું જુલમ છે કેમ કે, ઓછી ઉંમરમાં લગ્ન કરવાથી તેમની વધુ જાતીય સતામણી થાય છે. આવા સમયે બાળકોને સુરક્ષા આપવાની જરૂર છે. આ અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટેજણાવ્યું હતું કે, બાળવિવાહ કેસમાં ૧૫થી ૧૮ વર્ષની કિશોરીનો પતિ તેની સાથે શરીર સંબંધ બાંધે તો તેને બળાત્કાર માની લેવામાં આવે તેવા સમયે બાળકોના ભવિષ્યનું શું થશે ? કોર્ટે જણાવ્યું હતું કે, ભારતમાં બાળવિવાહ મોટાપ્રમાણમાં થઇ રહ્યા છે જો તેને ગેરકાયદે માનવામાં આવે તો બાળકોની કાયદેસરતાનું શું થશે ?
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઇ યુવતી ૧૫થી ૧૮ વર્ષની વય વચ્ચે છે અને તેના લગ્ન નથી થયા અને તેની મરજીથી કોઇ તેની સાથે શરીર સંબંધ બાંધે તો તેને બળાત્કાર માનવામાં આવે છે. પરંતુ બાળવિવાહ મામલે આવું નથી. ૧૫થી ૧૮ વર્ષ વચ્ચેની યુવતી સાથે જો તેનો પતિ શરીર સંબંધ બાંધે તો તે બળાત્કાર અંતર્ગત ગણાશે નહીં. કોર્ટે કહ્યું કે, કાંતો અમે આ કાનુને યોગ્ય ગણાવી દઇએ જે અંતર્ગત ૧૫થી ૧૮ વર્ષ વચ્ચેની પરણિત યુવતી સાથે જો તેની મરજીથી તેનો પતિ શરીર સંબંધ બાંધે તો તેને રેપ માનવામાં ન આવે અથવા રેપની કેટેગરીમાં રાખવામાં આવે અથવે તેને ૧૮ વર્ષની મર્યાદામાં જ લાવી દેવામાં આવે.
અરજદાર સંગઠનની દલીલો
અદાલત એ સંગઠનની અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ૧૫થી ૧૮ વર્ષ વચ્ચે લગ્ન કરનારી મહિલાઓને કોઇ સંરક્ષણ મળતું નથી. અરજકર્તા તરફથી કહેવામાં આવ્યું છે કે, એક તરફ યુવતીઓના લગ્નની લઘુતમ ઉંમર ૧૮ વર્ષ છે જ્યારે આનાથી ઓછી ઉંમરની યુવતીઓના લગ્નો થઇ રહ્યા છે. ૧૫થી ૧૮ વર્ષની યુવતીઓના લગ્નો ગેરકાયદે હોતા નથી પરંતુ તેને ગેરકાયદે ઘોષિત કરી શકાય છે. આટલી ઓછી ઉંમરમાં યુવતીઓના લગ્નોને કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. અરજકર્તાએ જણાવ્યું હતું કે, ૧૫થી ૧૮ વર્ષ વચ્ચેની યુવતીના લગ્નને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની યુવતીને એ જાણ હોતી નથી કે, લગ્નના કેવા પરિણામ આવી શકે છે. તેમણે કહ્યું કે, લગ્ન માટે એક મર્યાદા હોવી જોઇએ. યુવતીઓના લગ્ન માટે સંસદે ઓછામાં ઓછી વયમર્યાદા ૧૮ વર્ષ નક્કી કરી છે જે માનસિક વય છે. એવામાં તેનો કોઇ અપવાદ હોવો જોઇએ નહીં. અરજદારે કહ્યું કે, આને લઇ સીઆરપીસીમાં તો બદલાવ કરી દેવામાં આવ્યા છે પરંતુ દંડસંહિતામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.
કાયદો સંસદ બનાવશે, સુપ્રીમ દખલ
ન કરી શકે : કેન્દ્રની દાદાગીરી
કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, બાળવિવાહ સામાજિક વાસ્તવિકતા છે અને અંગે કાયદો બનાવવાનું કામ સંસદનું છે. કોર્ટ તેમાં દખલ ન કરી શકે. વિવાહમાં ફક્ત ૧૫ દિવસથી બે વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સવાલ ઊઠાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જણાવ્યું હતું કે, શું આ કઠોર સજા છે ? કોર્ટે કહ્યું કે આતો કાંઇ જ નથી, કઠોર સજાનો અર્થ આઇપીસી જણાવે છે. આઇપીસીમાં કઠોર સજા મૃત્યુદંડ છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, બાળવિવાહ કરવા સામે કઠોર સજાની જોગવાઇ છે. આ મામલે સુનાવણી બુધવાર સુધી ટાળી દેવાઇ છે.
‘બાળલગ્નો ઝાંઝવા સમાન’ : સુપ્રીમ ચિંતા

Recent Comments