(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
કઠુઆ, પાંડેસરા અને ઉન્નાવની બળાત્કાર ઘટનામાં આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે જમીઅતે ઉલમાએ, સુરત કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ દેશની મહિલાઓ અને ખાસ તો બેટીએ કુશળ કે સુરક્ષિત નથી. દેશમાં મહિલાઓ પર થતાં અત્યાચાર અને માસુમ બાળકીઓ પર ગુજારવામાં આવતા બળાત્કાર સામે સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. કાયદાના રક્ષક હોવાના નાતે આપની પણ ફરજ બને છે કે, મહિલાઓ પર ગુજારવામાં આવતા અત્યાચારો સામે કડક હાથે કામ લેવાય. જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જે રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યા હતા અને કઠુઆમાં તો બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી તેને જમીઅતે ઉલેમાએ સુરત સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકાર પાસે માગ કરે છે કે આરોપીઓ સામે વહેલી તકે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમને સજા મળે. જઘન્ય બળાત્કારમાં સરકારી અધિકારીઓ અને પોલીસ પણ સામેલ હતા. જેમની સામે કડક કાર્યવાહી કરાય તે દેશની માગ છે. ઉપરાંત ચાર્જશીટ ફાઈલ કરવા જતી વખતે જે વકીલોએ સરકારી કામમાં અવરોધ ઊભા કર્યા હતા તેમનું લાયસન્સ રદ કરવું જાઈએ અને આઈપીસીની કલમ ૧૮૬,૩૩૨ અને ૩૫૩ હેઠળ કામ ચલાવવું જોઈએ, તેમણે રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કર્યું હતું. દેશ માટે શરમની વાત તો એ છે કે આરોપીઓને બચાવવા માટે જમ્મુ-કાશ્મીર સરકારના બે પ્રધાનો અને વકીલો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યારે ખૂદ વકીલો, સરકારી અધિકારીઓ, પોલીસ અને મંત્રીઓ જ અપરાધી, પોલીસ અને મંત્રીઓ જ અપરાધીઓને પ્રોત્સાહન આપતા હોય તો પ્રજા ન્યાય માગવા કયાં જશે. અમો જમીઅતે ઉલેમાએ સુરત એ સમગ્ર આગેવાનો આ ઘટનાઓને વખોડી કાઢીએ છીએ અને સરકારને વિનંતી કરી છીએ કે, ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તે માટે દોષિતોને સખત સજા કરે. બાળકીઓ દેશનું ભવિષ્ય છે અને જ્યારે વડા પ્રધાન એમ કહેતા હોય કે બેટી બચાવો-બેટી પઢાઓ તો પ્રશ્ન થાય છે કે કોનાથી બેટીને બચાવે. ખૂદ શાસકો જ આવી ધૃણાસ્પદ ઘટનાઓમાં સામેલ હોય તો ફરિયાદ કરોને કરવી એ એક સવાલ બની જાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસે લોકોની અને ખાસ તો મહિલાઓની મોટી અપેક્ષાઓ હોય છે. તેમની આબરૂ અને જાન-માલની સુરક્ષાની જવાબદારી રાજ્યની હોય છે ત્યારે આવી જધન્ય હતા અને બળાત્કાર ગુજારવામાં આવે તે દેશ માટે કલંક છે.