(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
શહેરના ભેસ્તાન નજીક આવેલ જીયાવ -બુડીયા ખાતે ગત છઠ્ઠી એપ્રિલના રોજ ૧૧ વર્ષની માસુમ બાળકીની હત્યા અને બળાત્કાર કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં બાળકીની ઓળખ માટે શહેર પોલીસને હજી સુધી કોઈ ચોક્કસ કળી હાથ ન લાગતા ગતરોજ સુરત પી.આઈ. દ્વારા ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપી હતી. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચને તપાસમાં મદદરૂપ થવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના બે પીઆઈ જોડાયા હતા. તેઓએ આજે જે સ્થળેથી લાશ મળી હતી. ત્યાંની સ્થળ મુલાકાત લીધી હોવાનું જાણવા મળે છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે બે સગીરાઓ પર થયેલ બળાત્કારની ઘટના સાથે સુરતના પાંડેસરામાંથી મળેલ ૧૧ વર્ષની બાળકીની હત્યા-બળાત્કારની ઘટનાને સરખાવવામાં આવી રહી છે. માસુમો પર થયેલ બળાત્કારની ઘટના અંગે ગતરોજ શહેરમાં વિવિધ સંસ્થાઓ, એનજીઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢીને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. માસુમ બાળકીઓ સાથે નરાધમ કૃત્ય આચરનારાઓને ફાંસીની સજા થાય તેવી માંગણી રેલીમાં પોસ્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગતરોજ સુરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું કે માસુમ બાળકીની ઓળખ માટે શહેર પોલીસે ૧૨૦૦૦ જેટલા પોસ્ટરો જારી કરીને શહેર જિલ્લા તેમજ રાજ્યના અન્ય પોલીસ મથકોએ પણ ફેક્સ દ્વારા જાણ કરી ઓળખના પ્રયાસો હાથ થર્યા છે. બાળકીની ઓળખ આપનારનું નામ ગુપ્ત રાખવાની સાથે તેને ઈનામ પણ આપવામાં આવશે. વધુમાં પો.કમિ. દ્વારા જણાવ્યું કે જે સ્થળેથી લાશ મળી ત્યાંથી એકાદ કિલોમીટરના અંતરેજ નેશનલ હાઈવે આવ્યો હોવાથી શહેર બહારથી પણ કોઈ અજાણી વ્યક્તિ આ માસુમની લાશ ફેંકી જતી રહી હોઈ શકે. આ બનાવની વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના બે પી.આઈ. સ્પેશિયલ આ કેસની તપાસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મદદરૂપ થવા માટે આવ્યા છે. આજે સવારે અમદાવાદથી આવેલા બે પીઆઈ દ્વારા બાળકીની લાશ જે સ્થળેથી મળી હતી તે સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હતી. માસુમ બાળકીની ઓળખ થયા બાદ જ તેના આરોપીઓની માહિતી મળી શકશે તે માટે બાળકીની ઓળખ થવી મહત્ત્વનું છે.
સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર આરોપીઓ સામે ફરિયાદ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
એક તરફ સોશિયલ મીડિયાને કારણે પાંડેસરામાં ૧૧ વર્ષીય માસુમ દિકરીના રેપ-હત્યા કેસની તપાસ વેગવાન બની છે. ત્યારે બીજી તરફ કેટલાક ચોક્કસ તત્ત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી કોમી ઉશ્કેરણી ફેલાવી રહ્યાં છે. આવા તત્ત્વોની સામે પોલીસ સખ્ત બની છે. ટ્‌વીટર અને ફેસબુક પર આરોપી ઈરફાન અંજુમ, અસ્મિતા દાસ, મોહમ્મદ સરતાજ આલમે એબીવીપીના નેતાએ બળાત્કાર-હત્યારો હોવાના ખોટા મેસેજ ફરતા કર્યા હતા. જેઓની વિરૂદ્ધ પાંડેસરા પોલીસે ઈપીકો કલમ ૫૦૫ (૧) (ખ) મુજબનો ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી છે. તેમજ સગરામપુરા નવી ઓલીમાં રહેતો આરિફ સુરતીએ કોમી ઉશ્કેરણી કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે અંગે અઠવા પોલીસે આરોપી આરીફખાન ઉર્ફે આરીફ સુરતી, રસીદખાન પઠાણ વિરૂદ્ધ ઈપીકો કલમ ૧૫૩ (ક) મુજબનો ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદી બનેલા પીએસઆઈ એ.કે. જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરણીજનક ભાષામાં શબ્દો ઉચ્ચારેલો વીડિયો વોટ્‌સઅપ ગ્રુપમાં મુકી હિન્દુ-મુસ્લિમ કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે આરોપી આરીફ સુરતીની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.