(એજન્સી) તા.૯
જાણીતી અભિનેત્રી અને બિગબોસની પૂર્વ સ્પર્ધક સનાખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બહાર નીકળી માનવતાના કાર્યો કરવાનું નક્કી કર્યું છે. સલમાન ખાન સાથે કામ કરી ચૂકેલી સનાખાને કહ્યું હતું કે તેણે ઈસ્લામ ધર્મને અનુસરવા માટે ફિલ્મજગત છોડી દેવાનો નિર્ણય કર્યો છે. સનાખાને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે મારા ભાઈઓ અને બહેનો આજે હું મારા જીવનના એક ખૂબ જ મહત્ત્વના વળાંક પર તમારી સાથે આ વાત કરી રહી છું. હું છેલ્લા કેટલાક વર્ષથી ફિલ્મજગતમા છું. આ દરમ્યાન મને પ્રશંસકો તરફથી બધા પ્રકારના માન-સન્માન તેમજ સમૃદ્ધિ મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી મને એ પ્રશ્ન થાય છે કે ‘શું આ દુનિયામાં આવવાનો મુખ્ય ઉદ્દેશ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ પાછળ દોડવાનું જ છે ?’ આ પ્રશ્નનો જવાબ મને મારા ધર્મમાંથી મળ્યો. મને એ ધ્યાનમાં આવ્યું કે આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ મૃત્યુ પછીની આપણી યાત્રાને સારી બનાવવાનો છે. આથી હું આ જાહેરાત કરૂં છું કે મેં ફિલ્મજગતને હંમેશા માટે અલવિદા કહેવાનો નિર્ણય કર્યો ેછે. હું મારા બાધા ભાઈ-બહેનોને વિનંતી કરૂં છું કે તેઓ મારા માટે પ્રાર્થના કરે કે અલ્લાહ મારા આ પશ્ચતાપને સ્વીકારે અને મને તેના આદેશોનું પાલન કરવાની તેમજ માનવતાના કાર્યો કરવાની શક્તિ આપે. છેલ્લે હું મારા બધા ભાઈ-બહેનોને વિનંતી કરૂં છું કે ફિલ્મજગતના કોઈપણ કામ માટે મારો સંપર્ક ન કરવામાં આવે. નોંધનીય છે કે આ પહેલા દંગલ ફેમ ઝાયરા વસીમે પણ ઈસ્લામિક જીવન જીવવા માટે ફિલ્મજગતને છોડી દીધું હતું.