અમદાવાદ, તા.ર૩
બિટકોઈન કેસમાં સીઆઈડી ક્રાઈમે જ્યારથી તપાસ વેગવંતી બનાવી છે ત્યારથી એક પછી એક આ કાંડમાં સંડોવાયેલા લોકોના નામો ખુલી રહ્યા છે અને તેમને પકડી લેવામાં આવી રહ્યાં છે ત્યારે આ કેસમાં શરૂઆતથી કોઈ સંબંધ ન હોવાનો રટ્ટો મારતા અમરેલીના એસપી જગદીશ પટેલની સીઆઈડી ક્રાઈમે અટકાયત કરીને પૂછપરછ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે તો બીજી બાજુ અગાઉ આ કાંડમાં પકડાયેલ અમરેલીના પીઆઈ અનંત પટેલને ડીજીપીએ સસ્પેન્ડ કરી દીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ બિટકોઈન કેસમાં હમણાં સુધી માસ્ટર માઈન્ડ ગણાતા અમરેલીના પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ જગદીશ પટેલને રવિવારની મોડી રાતે સીઆઈડી ક્રાઈમ અમરેલીથી લઈ આવી રહી છે. સોમવાર સવારથી જગદીશ પટેલની સિનિયર પોલીસ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે. હમણાં સુધી જગદીશ પટેલ આખી ઘટના માટે પોતાને કોઈ નિસ્બત નથી તેવો દાવો કરી રહ્યા હતા, પરંતુ સીઆઈડી ક્રાઈમે ઝડપી લીધેલા પોલીસ ઈન્સ્પેકટર અનંત પટેલની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેમણે પોતાના એસપી જગદીશ પટેલની સંડોવણી અંગે મહત્ત્વના પુરાવા આપ્યા હતા. શનિવારના રોજ જગદીશ પટેલને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સીઆઈડી સામે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તેઓ ગાંધીનગર આવ્યા નહોતા જેના કારણે રવિવારની રાત્રે સીઆઈડી ક્રાઈમ અમરેલી પહોંચી હતી તેમને ગાંધીનગર લઈ આવી હતી. સોમવાર સવારથી અનંત પટેલ અને જગદીશ પટેલને સામ-સામે બેસાડી સીઆઈડીએ પ્રશ્નો પૂછ્યા હતા. સૂત્રોની જાણકારી મુજબ જગદીશ પટેલનો ભાંડો ફૂટી ગયો છે. સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી દિપાંકર ત્રિવેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે જગદીશ પટેલની હાલમાં પૂછપરછ ચાલુ છે, સાંજન સુધી તેમની સત્તાવાર ધરપકડ થાય તેવી સંભાવના છે. ડીઆઈજી ત્રિવેદીએ જણાવ્યું હતું કે જો આ કેસમાં માસ્ટર માઈન્ડ અનંત પટેલ જ હોત તો તપાસ અહીં પુરી થઈ ગઈ હોત, પણ ખરેખર તેવું નથી. આ ઘટના પાછળ બીજા સાતથી આઠ માણસો છે અમારે તેમના સુધી પહોંચવાનું છે. આ કેસમાં હાજી સુધી નલીન કોટડિયાની પૂછપરછ થઈ નથી, પરંતુ તેમનું નિવેદન પણ નોંધાવવા માટે તેમને બોલાવવામાં આવશે. ખરેખર બિટકોઈન ગયા ક્યાં તેની તપાસ માટે સીઆઈડી દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી છે અને ૧પ૦ જીબી ડેટા રીકવર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ફરાર થયેલા બાકીના પોલીસને ઝડપી લેવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી છે. સૂત્રોની જાણકારી પ્રમાણે સીઆઈડી દ્વારા બિલ્ડર શૈલેષ ભટ્ટને પણ સીઆઈડી ખાતે બોલાવવામાં આવશે અને ઈન્સ્પેકટર અનંત પટેલ અને શૈલેષ ભટ્ટને પણ સામ-સામે બેસાડી પૂછપરછ થાય તેવી શક્યતા છે. જો કે રાતોરાત અમીર બનવાના સપના જોતા અમરેલીના પીઆઈ અનંત પટેલે બિટકોઈન પડાવી લેવાના કેસમાં સંડોવાયા ત્યારે તેમની હાલ તો આબરૂ હાથ પર લાગી છે. જો કે અનંત પટેલની બિટકોઈન કેસમાં ધરપકડ થયા બાદ ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.