અમદાવાદ, તા.૧૯
સુરતના બિલ્ડર પાસેથી કરોડો રૂપિયાના બિટકોઈનમાં તોડ પ્રકરણમાં સંડોવાયેલા અમરેલીના પોલીસ ઈન્સ્પેક્ટર અનંત પટેલ રફુચક્કર થઈ ગયા હતા. જેને પગલે પીઆઈને પકડવા સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી હતી. ત્યારે ગુરૂવારે બપોરે અડાલજ પાસેથી પીઆઈ અનંત પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. જો કે પીઆઈ અનંત પટેલે પોલીસ પકડથી દૂર રહેવા અને પોતાની ઓળખ છુપાવવા માટે માથે મૂંડન કરાવી લીધું હતું. તેમ છતાં ક્રાઈમ બ્રાંચે આરોપી અનંત પટેલને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ૧ર કરોડની કિંમતના બિટકોઈનના મામલે ગુનો નોંધ્યા બાદ અમરેલીના બે કોન્સ્ટેબલ અને એક વકીલની ધરપકડ કરી હતી. જ્યારે બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે સીઆઈડી ક્રાઈમની ટીમ કામે લાગી હતી. દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓને જાણકારી મળી હતી કે, પોલીસથી સંતાઈ રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર અનંત પટેલ અડાલજની આસપાસ સંતાયા છે જેના કારણે ક્રાઈમ બ્રાંચની ટીમોએ જુદા જુદા રસ્તા ઉપર વોચ ગોઠવી હતી.
દરમ્યાન ગુરૂવારની બપોરે અડાલજ પાસે સેન્ટોઝા બંગલો જતા રસ્તા ઉપર પાનના ગલ્લા ઉપર એક વ્યક્તિ મુંડન કરેલી ઉભી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તેની સામે ધ્યાનથી જોતા તેના ચહેરા ઉપર હાવભાવ બદલાયા હતા. પણ બહુ જલદી ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમને ઓળખી ગઈ હતી અને ઈન્સ્પેક્ટર અનંત પટેલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવા રવાના થયા છે. અનંત પટેલ પૂછપરછ બાદ તેમને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવશે. અત્રે ઉલ્લેનીય છે કે, સામાન્ય રીતે ચોરી, હત્યા જેવા ગુનાઓમાં સપડાયેલા ગુનેગારો પોલીસથી બચવા માટે માથે મુંડન કરાવી કે મૂછો કઢાવી અથવા તો દાઢી વધારે વેશ પલટો કરી ફરતા હોય છે. ત્યોર ખુદ પીઆઈ પટેલ પર આવી જ રીતે ગુનેગારો જેવો આઈડીયા અજમાવી માથે મુંડન કરાવી ફરતા હતા.