કામદાર સંઘોને દહેશત છે કે ૨૬, ઓગસ્ટના રોજ મહેકમ મંત્રાલય દ્વારા ઇસ્યૂ કરવામાં
આવેલ આદેશ સરકારી વિભાગોને પોતાના અધિકારો માટે લડતા કર્મચારીઓની વીણી વીણીને પસંદગી કરવાની સત્તા આપશે

(એજન્સી) તા.૪
સરકારી કર્મચારીઓને એકપક્ષીય રીતે અને નિર્ધારીત સમય પહેલા નિવૃત્ત કરવાની કેન્દ્ર સરકારની હિલચાલની કેન્દ્રીય કામદાર સંઘો, સંગઠનો અને મહાસંઘોએ સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ધ જોઇન્ટ પ્લેટફોર્મ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને સેક્ટોરલ ફેડરેશન્સ/એસોસિએશને એવો આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકાર ડીઓપીટી દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ ઓફિસ મેમોરેન્ડમ દ્વારા કર્મચારીઓને બિનઅસરકારક કે તેમની પ્રમાણિકતા શંકાસ્પદ હોય એવા આધારે સેવામાંથી કર્મચારીઓને હટાવવાની જોગવાઇ કરી રહી છે. ૩૧, ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મળેલી બેઠકમાં કામદાર સંઘોએ સર્વાનુમતે અને સામૂહિક રીતે કેન્દ્ર સરકારની આ હિલચાલને વખોડી કાઢી હતી અને આ નિવેદન પર ઇન્ટુક, આઇટુક, એચએમએસ, સીટુ, એઆઇયુટીયુસી, ટીયુસીસસી, સેવા, એઆઇસીસીટીયુ, એલપીએફ અને યુટીયુસી જેવા કામદાર સંઘોએ સહીઓ કરી હતી. જોઇન્ટ પ્લેટફોર્મ દ્વારા જણાવાયું છે કે કેન્દ્ર સરકારની આ હિલચાલ કર્મચારીઓ, કામદારો અને તેમના સંઘોના મૂળભૂત અધિકારો પ્રત્યે એકંદરે આપખુદી વલણ પ્રદર્શિત કરે છે. આ હિલચાલ પરથી એવું પણ જાહેર થાય છે કે કેન્દ્ર સરકાર દેશના તમામ શ્રમ કાયદાઓ બદલવા કૃતસંકલ્પિત છે અને કામદારો પર ગુલામી જેવી શરતો લાદવા માગે છે. ૨૮, ઓગસ્ટના રોજ મહેકમ, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલ આદેશ સરકારને જે કર્મચારીઓએ ૩૦ વર્ષની સેવા પૂરી કરી હોય અથવા ૫૦થી ૫૫ વર્ષની ઉંમર થઇ હોય તેમને નિવૃત્ત કરવાની સત્તા આપે છે. ધ જોઇન્ટ પ્લેટફોર્મ દ્વારા એવું ઉમેરવામાં આવ્યું હતું કે નિયત સત્તાધિકારીને આ ઓફિસ મેમોરેન્ડમ દ્વારા ફરજીયાત સમય પૂર્વે નિવૃત્તિ માટે લક્ષિત કર્મચારીઓની પસંદગી કરવાની અમર્યાદ સત્તા ધરાવે છે. કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર કર્મચારીને બળજબરીપૂર્વક નિવૃત્તિ પૂર્વે સાંભળવાની તકનો પણ અધિકાર રહેશે નહીં. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે આ પ્રકારનો પીડિત કર્મચારી સલાહકારી સમિતિના દ્વાર ખટખટાવશે કે જેની નિમણૂૂંક પણ સરકાર દ્વારા જ થશે. આમ જોઇન્ટ પ્લેટફોર્મના જણાવ્યા પ્રમાણે આ હિલચાલ કર્મચારીઓ, કામદારો અને તેમના સંઘોના મૂળભૂત અધિકારીઓ પ્રત્યે એકંદરે આપખુદી વલણ દર્શાવે છે.