ભૂજ, તા.૮
કચ્છમાં થોડા દિવસ પૂર્વે દરિયાઈ વિસ્તારમાં હથિયારધારી બોટ જોવા મળી હોવાના ગુપ્તચર અહેવાલો બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેવામાં તા.૭/૩ના રાત્રિ દરમ્યાન કોટેશ્વર દરિયાઈ ક્ષેત્રમાંથી એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવતા તપાસનો ધમધમાટ વધુ જોવા મળ્યો છે.
સીમા સુરક્ષાદળની મરીન બટાલીયન દરિયામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પાબેવાળી ક્રિક પાસે એક બિનવારસી પાકિસ્તાની બોટ જોવા મળી હતી. તેમાંથી માછીમારોના સાધનો સિવાય કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. આ બોટ મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય થઈ ગઈ છે. જો કે બોટમાં સવાર લોકો પરત પાકિસ્તાન સરહદ તરફ નાસી ગયા હોવાનો અંદાજ છે. બીજી તરફ સુરક્ષા તંત્રોને મળેલી વિગત મુજબ પાકિસ્તાને કચ્છ સરહદની સામે પાર ઝીરો પોઈન્ટના વિસ્તારોમાં એક હેલિપેડ બનાવી લીધું છે અને ત્યાં સૈન્ય ગતિવિધિ તેજ બનતી દેખાય છે જેથી કચ્છ સરહદ ઉપર હવે સુરક્ષા વ્યવસ્થા વધુ સતેજ બનાવી દેવાઈ છે. પાકિસ્તાન દ્વારા સામે પાર એક ઊંચો વોચ ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે કચ્છની દરિયાઈ સીમા અંદર છેલ્લા બે વર્ષમાં ૧રથી પણ વધુ પાકિસ્તાની બોટ પકડાઈ ચૂકી છે.