ધોળકા,તા.ર૬
તાજેતરમા લેવામાં આવેલી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષામાં ૩૬ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ગેરરીતિ થયાની આશંકા વ્યક્ત કરતો એક પત્ર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને બુદ્ધાય ચેરીટેબલ ટ્રસ્ટ-ધોળકાના પ્રમુખ દ્વારા પાઠવવામાં આવેલ છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે, આપના વિભાગ દ્વારા ગુજરાત સરકારની બિનસચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પરીક્ષા યોજાઈ ગઈ આ પરીક્ષામાં આપની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ૩૬ જેટલા પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાનો અભાવ હતો. જેના પરિણામે પરીક્ષા કેન્દ્રોમાં ગેરરીતિ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
“સમગ્ર ભારત દેશના લોકો સગાવાદની માનસિકતાથી પીડાયેલ છે.” ગુજરાત રાજ્યના લાખો બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવાના આશયથી ગુજરાત સરકારની ભરતીઓમાં ઉમેદવારી નોંધાવી સખત મહેનત કરે છે. આવા સંજોગોમાં પેપર લીંક થવાની બાબત, પરીક્ષા દરમ્યાન લાગતા વળગતાને મદદ કરવાની બાબતો, પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાનો અભાવ, તેમજ અન્ય ઘણી બાબતો વિદ્યાર્થીઓના મનોબળને માનસિક રીતે તોડી નાખે છે.
આપના વિભાગ દ્વારા યોજાનાર ભરતી પરીક્ષા માટે સરકારશ્રી દ્વારા આપને સંપૂર્ણ સમય આપવામાં આવે છે. તેમ છતાં આપના દ્વારા સીસીટીવી કેમેરા ન હોય તેવી શાળા/કોલેજની પસંદગી કરવામાં આવી તે ખૂબ જ ગંભીર બાબત ગણાવી શકાય. આપના દ્વારા આ અંગે ગંભીર નોંધ લઈ ભવિષ્યમાં યોજાનાર ગુજરાત સરકારની ભરતીમાં પારદર્શકતા આવે તેવી કામગીરી કરાવવા આપને વિનંતી છે.
અમો અરજદારની રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ અન્ય સંબંધિત વિભાગો પાસે ભરતી પરીક્ષામાં પારદર્શકતા આવે તે ખૂબ જરૂરી બની રહે છે.