(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
રાજ્ય વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં બિનસાંપ્રદાયિક પરિબળો અપક્ષ અથવા તો રાજ્યમાં જેનું અસ્તિત્વજ ન હોય તેવા પક્ષોમાંથી ટીકીટ મેળવી ઉભા રહેતા હોવાને કારણે સાંપ્રદાયીક પરિબળોને પ્રોત્સાહન મળે છે, અને ચૂંટણીમાં તેમનો વિજય થાય છે. જો બિનસાંપ્રદાયિક પરિબળો પોતાનો નહિવત લાભ જતો કરી ઉમેદવારી કરવામાંથી દુર રહે તો યોગ્ય ઉમેદવારો જીતી શકે છે. સાંપ્રદાયીક ઉમેદવારોની હાર નિશ્ચિત બને છે. મતોનું વિભાજન થઇ જતું હોવાને કારણે ચૂંટણીમાં આવા સમીકરણો રચાતા હોય છે. ચૂંટણીમાં સાંપ્રદાયીક ઉમેદવારો સામે બીનસાંપ્રદાયીક ઉમેદવારોની સંખ્યા એટલી વધુ હોય છે કે, મતોનું વિભાજન થઇ જાય છે. બીનસાંપ્રદાયીક ઉમેદવારો પોતાની મહત્વકાંક્ષા સંતોષવા ખાતર અથવાતો સાંપ્રદાયીક ઉમેદવારો પોતાના લાભ માટે તેમને આર્થિક સહાય આપી ઉભા રાખતા હોય છે. આથી લોભ-લાલચને કારણે કટ્ટરવાદી સાંપ્રદાયીક ઉમેદવારો ફાવી જાય છે. ચૂંટણીના પરિણામો બદલાઇ જાય છે. ચૂંટણીઓમાં મોટુ દુષણ ઉભું થયું છે. આ અંગે પ્રત્યાઘાત આપતા મુઆવિન ચેરિટ્રેબલ ટ્રસ્ટના પ્રમુખ, મુઆવિન હોસ્પિટલના ટ્રસ્ટી અને જાણીતા સામાજિક કાર્યકર સાદિકભાઇ પટેલે તેમજ શહેરનાં સિનિયર વકીલ મોઇનુદ્દીન ટી. રીફાઇએ જણાવ્યું હતું કે, બીનસાંપ્રદાયીક ઉમેદવારોનો ભણેલો વર્ગ છે. આ લોકો એક યા બીજા કારણો સર અપક્ષ કે અન્ય પક્ષોના બેનર હેઠળ ચૂંટણીમાં ઉભા રહે છે. તેમની હાર નિશ્ચિત હોવાનું તેઓ જાણતા હોવા છતાં ચૂંટણીમાં ઉમેદવારી કરે છે. ચૂંટણીમાં આવા અનેક ઉમેદવારો ઉભા રહેતા હોવાથી તેમને મળેલા મતની ટકાવારી ઘણી હોય છે. જે એક ઉમેદવારને જીતાડી પણ શકે અને બીજાને હરાવી પણ શકે. કારણ મતોનું વિભાજન થઇ જતું હોવાને કારણે તેનો સીધો લાભ સાંપ્રદાયીક ઉમેદવારોને મળે છે. પરિણામે ચૂંટણીમાં તેમનો વિજય થાય છે. આથી બીનસાંપ્રદાયીક વિચારશ્રેણી ધરાવતા ઉમેદવારોએ સાંપ્રદાયીક પરિબળોને પ્રોત્સાહન ન મળે એટલા ખાતર પણ ચૂંટણીમાં ઉમેદવારીથી દૂર રહેવું જોઇએ. નહીં તો સાંપ્રદાયીક પરિબળો મજબૂત થતા જશે.