(એજન્સી) નવીદિલ્હી, તા.૨
નાણાની ફાળવણીમાં બંધારણના સંઘીય માળખાની વિરૂદ્ધમાં જવાનો કેન્દ્ર સામે આરોપ મુકતા તૃણમૂલ કોંગ્રેસે સોમવારે જણાવ્યું કે ઘણા બિન-ભાજપ રાજ્યોને નાણાની ફાળવણીમાં નુકસાન થઇ રહ્યું હોવાથી તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષને ૧૫મા નાણા પંચ સામે સંગઠિત કરવાનો
પ્રયાસ કરશે. ટીએમસીના નેતા ડેરેક ઓબરિયને જણાવ્યું કે ટીએમસીના વડા મમતા બેનરજી ૧૦-૧૧મી એપ્રિલે ચેન્નઇમાં યોજાનારી ડીએમકે નેતાગીરી સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે. મમતા બેનરજી ચેન્નઇની તેમની બે દિવસીય યાત્રા દરમિયાન ડીએમકેના સુપ્રીમો એમ.કરૂણાનિધિ અને એમ.કે.સ્ટાલિનને પણ મળશે.
તેમણે પત્રકારોને જણાવ્યું કે પંચ ફેડરલ વિરોધી છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિળનાડુ જેવા રાજ્યોને નાણાકીય નુકસાન થઇ રહ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા ભાજપ શાસિત રાજ્યોને પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. આવતા મંગળવારે મમતા બેનરજી આ મુદ્દો ડીએમકે નેતાગીરી સમક્ષ ઉઠાવશે.
ફેડરલ ફ્રન્ટ માટે મમતા યુપીમાં માયાવતી અને અખિલેશને મળશે
દિલ્હીમાં વિપક્ષના નેતાઓ તરફથી મળેલા જોરદાર પ્રતિસાદથી ઉત્સાહિત થયેલા મમતા બેનરજી હવે ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવને મળશે. મમતા બેનરજીએ લખનઉમાં સૂચિત ફેડરલ ફ્રન્ટ માટે એક ગ્રાન્ડ શો નું આયોજન કરવાનો પ્લાન બનાવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને તેમનો નેશનલ પ્લાન ઘડી કાઢ્યો છે. ચેન્નઇ પછી મમતા બેનરજી હૈદરાબાદ પણ જશે અને ત્યાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ સાથે પણ મુલાકાત કરશે.