(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને કારણે પ૦-પ૦ દિવસથી ફસાયેલા લોકોને વતન જવા માટે પરવાનગી મેળવતા નાકે દમ આવતો હતો. આ મહામારીમાં રોજબરોજ બદલાતા નીત નવા નિયમોને કારણે અને સુરત કલેક્ટરની નિર્ણય શક્તિ ઉપર લાગેલા પ્રશ્નાર્થ ચિન્હ સામે ખુદ ભાજપના જ ધારાસભ્યો સાંસદ સભ્યો સહિત રાજકીય નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળતો હતો. હજી ત્રીજો લોકડાઉનનો સંપૂર્ણ અમલ થઇ રહ્યો છે. ચોથા લોકડાઉન અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી, ત્યાં તો સુરત કલેક્ટરને વધુ એક નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાંથી વતન સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં જવા માટે આજે પણ હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ વલખા મારી રહ્યા છે. ત્યારે કલેક્ટરના આદેશ મુજબ સુરત જિલ્લા શિક્ષણાધિકારી બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના સ્ટાફને હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી આપતો પરિપત્ર કરી દીધો છે.
આ પરિપત્રમાં જણાવ્યા મુજબ હાલ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારી જાહેર કરેલ છે. કલેક્ટર તરફથી બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના સ્ટાફને હેડ ક્વાટર્સ ન છોડવાની સુચના મળેલ હતી. તા.૧૪મી મે ર૦ર૦થી કલેક્ટર તરફથી મળેલ રૂબરૂમાં મળેલ સુચના અન્વયે શાળામાં પ૦ ટકા સ્ટાફને રોટેશન મુજબ હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી મળેલ છે. જે મુજબ આચાર્યએ શાળાના સ્ટાફ સાથે ચર્ચા કરી પ૦ ટકા સ્ટાફને રોટેશન મુજબ હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી આપી શકશે. એટલે કે, તા.૧૫/૫/૨૦૨૦થી ૨૬/૫/૨૦૨૦ સુધી પ૦ ટકા અને તા.૨૭/૫/૨૦૨૦થી ૭/૬/૨૦૨૦ સુધી પ૦ ટકા સ્ટાફને હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી આપવાની રહેશે. હાલ જે શાળાના કર્મચારીઓ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ની મહામારીની કામગીરી કરી રહેલ છે તેવા કર્મચારીઓએ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. કામગીરી કરતા કર્મચારીને બીજા તબક્કાના રોટેશન મુજબ હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી આપવાની રહેશે. આ બાબતે હાલ લોકડાઉન ચાલુ હોય તેમજ આવનાર સમયમાં હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી વખતે કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી જે તે કર્મચારીએ કરવાની રહેશે.
બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના સ્ટાફને હેડ ક્વાટર્સ છોડવાની મંજૂરી અપાઈ

Recent Comments