(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૭
આંકલાવ તાલુકાના બિલપાડ ગામમાં એક સપ્તાહ પહેલાં મહિલાની હત્યાની ઘટનાનો પોલીસે ગણતરીનાં દિવસોમાં પર્દાફાશ કરીને ૪૩ વર્ષીય મહિલાની તેનાથી ૨૨ વર્ષ નાના પ્રેમીએજ રાત્રીના સુમારે ખેતરમા મળવા માટે બોલાવીને ગળે ટૂંપો આપીને હત્યા કરી હોવાની કબૂલાત કરતા આંકલાવ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી આર.આઈ.સોંલકીએ જણાવ્યું હતું કે, આરોપી ૨૪ વર્ષીય ધનજીભાઈ પરમારને છેલ્લા અઢી વર્ષથી મીનાબેન મકવાણા (ઉ.વ.૪૩) સાથે પ્રેમસંબંધ હતો જેને લઈને ધનજીનું જે દિવસે લગ્ન હતું તે દિવસે તે મીનાબેનને લઈને ભાગી ગયો હતો જેને લઈને ધનજીનું લગ્ન તૂટી ગયું હતું. જો કે, ચાર-પાંચ દિવસ બાદ બંને પરત ફર્યા હતા. ત્યારબાદ પણ બંને વચ્ચેના પ્રેમસંબંધો ચાલુ જ રહેવા પામ્યા હતા. મીનાબેન ધનજીને તેની સાથે જ સંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. બીજી તરફ ધનજીના લગ્ન તૂટી જતાં લગ્નનો ખર્ચ તેમજ છૂટાછેડા માટે પણ અઢી લાખ જેટલી રકમ તેના પિતાને ચૂકવવી પડી હતી જેથી આર્થિક રીતે ધનજીને નુકસાન થયું હતું. વળી ધનજીની પત્નીને પણ તેની સાથે રહેવા આવવું હતુ પરંતુ મીના આડખીલીરૂપ બનતી હતી. જેથી તેણે કોઈપણ ભોગે મીનાને પતાવી દેવાનું નક્કી કરીને ૨૮મી તારીખના રોજ રાત્રીના સુમારે તેણે મીનાને મળવા માટે બોલાવી હતી અને ખેતરના શેઢા ઉપર બેસીને બંને જણાએ અડધો કલાક સુધી મસ્તી કરી હતી. ત્યારબાદ એકાએક ધનજીએ તેણીની સાડીથી જ ગળે સખ્ત રીતે ટૂંપો દઈને હત્યા કરી નાંખી હતી અને બાદમાં સાડીની બે જોરથી ગાંઠો પણ મારી દીધી હતી. હત્યા કર્યા બાદ ધનજી મીનાની લાશ પાસે અડધો કલાક સુધી બેસી રહ્યો હતો અને રાત્રે ૧૧ વાગ્યે પોતાના ઘરે આવીને સૂઈ ગયો હતો આ કબૂલાતના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી.