વડોદરા, તા.ર૪
સમા કેનાલ પાસે આવેલી બિલ્ડિંગની ઓવરહેડ ટાંકીના સફાઈકામ માટે ગયેલા ત્રણ શ્રમજીવી પૈકી એકને કરંટ લાગતા મોત થયું છે. માંજલપુર અલવાનકા શંકરનગરમાં રહેતા સુરેશ મધુભાઈ ફૂલમાળી તથા નાગરવાડા માળી મહોલ્લામાં રહેતા ગોપાલ લલ્લુભાઈ માળી અને સુરેશ કાળીદાસ માળી સામે સમા કેનાલ પાસે આવેલી સિદ્ધાર્થ એવન બિલ્ડિંગની ઓવરહેડ ટાંકીના સફાઈકામ માટે ગયા હતા. ટેરેસ પર આવેલી ચાર પૈકીની ત્રણ ટાંકીનું સફાઈ કામ કર્યા પછી સાંજે સાડા પાંચ વાગ્યે ચોથી ટાંકીમાં તેઓ સફાઈ માટે ઉતર્યા હતા. ટાંકીમાં ઈલેક્ટ્રીક મોટરની પાઈપ અડકતા જ સુરેશભાઈને વીજ કરંટ લાગ્યો હતો. જ્યારે અન્ય બે શ્રમજીવીને ધ્રૂજારી લાગતા તેઓ બહાર કૂદી પડ્યા હતા અને ટાંકીમાં અંદર ગયા ન હતા.
આજે સાડા પાંચ વાગ્યે સુરેશભાઈને કરંટ લાગ્યો હતો અને તેમને રાત્રે સવાદસ વાગ્યે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ડોક્ટરે તેમનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.