(એજન્સી) તા.ર
બિહારમાં આ વર્ષના અંતે યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપના નેતૃત્વવાળા મોરચામાં અત્યંત મહત્વના ગણાતા બે રાજકીય પક્ષો વચ્ચે અત્યારથી તિવ્ર મતભેદો શરૂ થઇ ગયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લોક જનશક્તિ પાર્ટી (લોજપ)ના નેતા ચિરાગ પાસવાન વચ્ચે એટલી હદે મતભેદો વધઈ ગયા છે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં જેના પિતા રામવિલાસ પાસવાન કેન્દ્રિય મંત્રી છે તે ચિરાગ પાસવાન એક વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ પોતાના જ પક્ષના જિલ્લા પ્રમુખને પક્ષમાંથી તગેડી મૂક્યા ત્યારથી રાજ્યના આ મોટા પક્ષના નેતાઓ વચ્ચે ટેન્શન શરૂ થઇ ગયું છે. લોક જનશક્તિ પાર્ટિના મુંગેર જિલ્લાના પ્રમુખે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે, બિહારમાં નેશનલ ડેમોક્ટેરિટ એલાયન્સ (એનડીએ)માં એકતા પ્રવર્તે છે.
ચિરાગ પાસવાનનું કહેવું હતે કે આ પ્રકારનું નિવેદન કોઇ જિલ્લા પ્રમુખ કેવી રીતે બહાર પાડી શકે. આ પ્રકારનું નિવેદન કરવાની સત્તા તો ફક્ત પક્ષના પ્રમુખની પાસે જ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યપાલના ક્વોટામાંથી ભરાનારી વિધાન પરિષદની ૧૨ બેઠકોમાંથી લોક જનશક્તિ પાર્ટીને પણ બે બેઠકો આપવાની ચિરાગ પાસવાને માંગણી કરી હતી.
પાસવાને કહ્યું હતું કે ગત વર્ષની ચૂંટણી દરમ્યાન બેઠકોની વહેંચણી માટે થયેલી સમજૂતિના આધારે વિધાન પરિષદની બેઠકો પણ પાંચ, પાંચ અને બે એ રીતે વહેંચાવી જોઇએ. અત્યાર સુધી એમ કહેવાતું હતું કે નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ)ના ફાળે સાત બેઠકો જશે અને બાકીના પાંચ ભાજપના ફાળે જશે. જો કે જનતા દળે હવે પોતાનું રૂખ આકરું અને કડક કર્યું છે ને આગામી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન લોજપ સાથે બેઠકોની વહેંચી માટે કોઇપણ પ્રકારની સમજૂતિની શક્યતાને નકારી કાઢી હતી. જનતાદળના એક નેતાએ જો વળી એમ કહ્યું હતું કે લોજપને જો બેઠકો જોઇતી હોય તો તેણે ભાજપનો સંપર્ક કરવો જોઇએ. અમે તેનાથી (ચિરાગ પાસવાન) ધરાઇ ચૂક્યા છીએ. તેમણે તેમના જિલ્લા પ્રમુખને તગેડી મૂકતો જે પત્ર જાહેર કર્યો હતો તેનો આશય ફક્ત બિહારની નીતિશ સરકારને મુશ્કેલીમાં મૂકવાનો હતો એમ જનતાદળના નેતાએ કહ્યું હતું.