(એજન્સી) તા.૧૪
એનડીએની સાંકડી જીતના સંદર્ભમાં કદાચ આ વિચિત્ર લાગશે પરંતુ સંજોગો જોતા બિહાર ચૂંટણીનો જનાદેશ એ સેક્યુલર અને લોકતાંત્રિક માનસ ધરાવતાં નાગરિકો માટે તેમની અપેક્ષા અનુસાર સર્વશ્રેષ્ઠ પરિણામ છે. બિહારના લોકોએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે હવે પરિવર્તન માટેની શક્યતા છે અને ભાજપ અને તેના સાથી પક્ષોએ પાયાના છેવાડા સ્તરે પોતાની પહોંચ વધુ સુનિશ્ચિત કરીને કામ કરવું પડશે. જો સમગ્ર વિપક્ષોએ લોકડાઉન દરમિયાન રાહત કાર્યો અને રાજકીય રીતે સક્રિયતા દાખવી હોત તો મહાગઠબંધન માટે સારુ પરિણામ આવી શક્યું હોત. બિહારમાં એનડીએ કે કેન્દ્ર ખાતે ભાજપે પ્રવાસી શ્રમિકોના સંકટ દરમિયાન અણઘડ રીતે કામ લીધું હતું. સમગ્ર ચૂંટણી ઝુંબેશ દરમિયાન વિપક્ષોએ માત્ર નીતિશકુમાર પર જ ચાબખા માર્યા હતાં અને તેના કારણે ભાજપને સરકારની નિષ્ફળતાથી સ્વયંને અલગ રાખવાની તક મળી હતી, ખાસ કરીને ેબિહારના પ્રચંડ પૂર, કોવિડ-૧૯ મહામારી અને લોકડાઉનના સંદર્ભમાં ભાજપ નીતિશકુમારની સરકારથી સ્વયંને અલગ રાખવામાં સફળ રહ્યો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની આલોચના નિવારવી એ વિરોધ પક્ષો માટે લાંબાગાળે સારી રણનીતિ નથી. ચૂંટણીના પરિણામો પણ એ વાતની સાક્ષી પૂરે છે કે ભાજપે નીતિશ શાસનના સત્તા વિરોધી પરિબળને કપટી રીતે નિવાર્યુ હતું અને ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી દ્વારા બદલાવ માટેની ઝંખનાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આમ ભાજપે નિર્ણાયક રીતે જનતાદળ- યુની કબર પણ ખોદી છે અને બિહારના રાજકારણના બે ધ્રુવમાંથી એક ધ્રુવ તરીકે પોતાના કાર્યકાળનો અંત લાવ્યો છે. નીતિ અને પ્રશાસનના સ્તરે અવિરત ભૂલો બાદ પણ ભાજપ જેવા ચૂંટણી રથ માટે આપોઆપ પરાજયની અપેક્ષા રાખવી અવ્યવહારુ છે. આ ચૂંટણીએ નિર્દેશ આપ્યો છે કે જદયુના મૃત્યુઘંટની શરુઆત થઇ ગઇ છે અને ચૂંટણીકીય રાજનીતિમાંથી નિવૃત્તિની નીતિશકુમારની જાહેરાતને ભાવિ સંકેતો તરીકે જોવા જોઇએ. આ ઉપરાંત મહિલા મતદારોએ પણ આ વખતે એનડીએને ચૂંટણીમાં મદદ કરી છે. બિહારમાં મુસ્લિમ સમુદાયમાં પણ હવે બદલાવ જોવા મળી રહ્યો છે. સીમાંચલ પ્રદેશમાં ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમનો પાંચ બેઠક પર વિજય થયો છે. આમ જદયુનું નિશ્ચિત પતન અને મુસ્લિમ મતદારોનું સુદ્રઢીકરણ અને રાજકીયકરણને કારણે વિરોધ પક્ષો માટે નવી તકો અને પડકારો ઊભા થયા છે.