(એજન્સી) તા.૨૪
બિહારમાં ડુંગળી ૧૦૦ રૂપિયે કિલો વેચાઇ રહી છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં પોતાની પ્રથમ ચૂંટણી રેલીઓને સંબોધતાં મોંઘવારી અને ભાવ વધારા અંગે કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. તેમણે રાજ્યના દલિત નેતા દિવંગત રામવિલાસ પાસવાન અંગે કર્તવ્યબદ્ધ રીતે સરાહના કરી હતી પરંતુ વડા પ્રધાને પાસવાન જુનિયર પર મૌન ધારણ કર્યુ હતું. ચિરાગ પાસવાને જદયુ અને નીતિશકુમારનો બહિષ્કાર કરીને રાજ્યમાં ભાજપ-એલજેપી સરકાર સુનિશ્ચિત કરવા સંકલ્પ કર્યો છે. તેમની પાર્ટી લોકજનશક્તિ પાર્ટી એનડીએમાં હોવાનો દાવો કરેે છે અને ભાજપ વિરુદ્ધ કોઇ ઉમેદવાર ઊભા રાખ્યાં નથી. પરંતુ જનતાદળ-યુને કદ પ્રમાણે વેતરી નાખવા તેની સામે ચિરાગ પાસવાને ઉમેદવારો ઊભા રાખ્યાં છે. ચિરાગ પાસવાને એવું પણ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાનના હનુમાન છે અને આમ તેમણે વડા પ્રધાન રામ હોવાનો નિર્દેશ આપ્યો હતો. શુક્રવારે જનતાદળ (યુ)એ એવી અપેક્ષા રાખી હતી કે વડાપ્રધાન મોદી મુખ્ય પ્રધાન નીતિશકુમારનો સ્પષ્ટપણે પક્ષ લેશે અને બિહારમાં રાજકીય દુઃસાહસ કરવા બદલ એલજીપીના નેતા ચિરાગ પાસવાનને ઠપકો આપશે. જો કે આવું માનનારા લોકો નિરાશ થયાં છે. ચિરાગ પાસવાન પર વડા પ્રધાનનું મૌન જાણે નીતિશને અસ્થિર કરવા માટે પૂરતું ન હોય તેમ સિનિયર પાસવાનને વડા પ્રધાનની શ્રદ્ધાંજલિ અને છેક છેલ્લી ઘડી સુધી પાસવાન કઇ રીતે મોદીના પક્ષે રહ્યાં હતાં એ વાત જણાવતાં હવે એ બાબત પ્રત્યે કોઇ શંકા નથી કે ચિરાગ પાસવાનને ભાજપમાં આવકારવા રાજકીય દ્વારો ખુલી ગયાં છે. નીતિશકુમારે છેલ્લા ૧૫ વર્ષની પોતાની સિદ્ધિઓની વિસ્તૃત વાત કરી હતી ત્યારે વડા પ્રધાને સ્પષ્ટપણે એવો દાવો કર્યો હતો કે નીતિશકુમાર છેલ્લા ત્રણ વર્ષના ડબલ એન્જિન સમયગાળા દરમિયાન જ અસરકારક રહ્યાં હતાં. બાકીના ૧૨ વર્ષ કાંતો યુપીએ સામે લડવામાં અથવા પરિવારના દુષ્કૃત્યો ઉઘાડા પાડવામાં ગુમાવ્યાં હતાં એવો વડાપ્રધાને નિર્દેશ આપ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યમાં જ ેક ઇ ખોટું થયું છે તેમાં વડા પ્રધાન કે ભાજપને જવાબદાર ગણી શકાય નહીં. આમ ચિરાગ પાસવાન પર વડા પ્રધાનના મૌનથી વ્યાપકપણે પ્રવર્તતી એવી માન્યાતા વધુ મજબૂત થઇ છે કે જુનિયર પાસવાનને ભાજપે પુરસ્કૃત કર્યા છે અને આ રીતે તેમણે નીતિશકુમારની મૂંઝવણમાં વધારો કર્યો હતો.