(એજન્સી) પટના, તા. ૨૫
બિહારમાં ગુરૂવારે આકાશી આફત વરસી હતી અને ભારે વરસાદ વચ્ચે વિજળી પડવાથી ૨૩ જિલ્લામાં ૮૩ લોકોનાં મોત થઇ ગયા હતા. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વિજળી પડવાને કારણે એક જ દિવસમાં ૨૪ લોકોનાં મોત થયા છે. અધિકારીએ જણાવ્યું હત્‌ કે, ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનોને કારણે સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. બિહારના ગોપાલગંજમાં ૧૪, મધુબની અને નવાડામાં ૮-૮, સિવાન તથા ભાગલપુરમાં ૬-૬ લોકોનાં મોત થયા છે. દરભંગા, પૂર્વ ચંપા અને બાંકામાં ૫-૫ લોકો મોતને ભેટ્યા હતા. ખગડિયા અને ઔરંગાબાદમાં ત્રણ-ત્રણ તથા પશ્ચિમી ચંપારણ, કિશનગંજ, જહાનાબાદ, જમુઇ, પૂર્ણિયા, સુપૌલ, કૈમૂર તથા બક્સરમાં ૨-૨ લોકોનાં મોત થયા હતા. સમસ્તીપુર, શિવહર, સારણ, સીતામઢી અને મધેપુરામાં એક-એક વ્યક્તિ વિજળી પડવાથી મોતને ભેટી છે. ઉત્તર બિહાર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પહેલા જ ગુરૂવાર અને શુક્રવારે ભારે વરસાદ અને વિજળી પડવાની ચેતવણી જારી કરી દીધી હતી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે વિજળી પડવાથી ૮૩ લોકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ મૃતકોના પરિવારજનોને તાત્કાલિક ચાર-ચાર લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ સંકટની આ ઘડીમાં અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભા છે. મુખ્યમંત્રીએ આ સાથે જ લોકોને અપીલ કરી હતી કે, તમામ લોકો ખરાબ હવામાન સામે સાવચેતી રાખે. વિજળીથી બચવા માટે એનડીઆરએફ તરફથી જારી કરેલા નિર્દેશોનું પાલન કરે. વરસાદ દરમિયાન લોકો ઘરમાં જ રહે અને સુરક્ષિત સ્થાનો પર રહે.
૮૩ લોકોનાં દર્દનાક મોત ઉપરાંત એક બાળકી અને મહિલા સહિત અનેક લોકો વિજળીના ઝપટમાં આવી ગયા હતા અને બળીને ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગે ખેતરોમાં કામ કરવા દરમિયાન લોકો વિજળીનો શિકાર બન્યા હતા. દરમિયાન હવામાન વિભાગે ૨૬મી જૂન સુધી બિહારના ૧૮ જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બિહાર ઇમરજન્સી વિભાગ તરફથી કોઇપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લેવાઇ છે. બીજી તરફ એનડીઆરએફ અને એસડીઆરએફને કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નિષ્ણાતોએ કહ્યું છે કે, ભારે વરસાદ દરમિયાન લોકો ઘરોમાંથી બહાર ના નીકળે. જો ઘરની બહાર હોય તો વરસાદથી બચવા માટે ઝાડની નીચે ઉભા રહેવું જોઇએ નહીં. જો આકાશમાં વિજળી કડકી રહી હોય તો ઘરના ઇલેકટ્રિક ઉપકરણ બંધ કરી દેવા જોઇએ. વિજળી ચમકતા સમયે મોબાઇલનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે.

આફત અંગે વડાપ્રધાન
મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

બિહારમાં વિજળી પડવાને કારણે અનેક લોકોનાં મોત બાદ વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ દ્વારા દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બિહાર અને ઉત્તરપ્રદેશનાકેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વિજળી પડવાને કારણે અનેક લોકોના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. રાજ્ય સરકારો તત્પરતા સાથે રાહત કાર્યોમાં જોડાઇ છે. આ સંકટમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવાર સાથે મારી સંવેદના પ્રકટ કરૂં છું.