(એજન્સી) તા.૧૨
બિહારના સીતામઢી જિલ્લામાં આવેલી ભારત-નેપાળ સરહદે નેપાળના સૈનિકો દ્વારા કોઈપણ જાતની ઉશ્કેરણી વિના કરાયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણને ઇજા થઈ હતી એમ બોર્ડર સિક્યુરિટિ ફોર્સે કહ્યું હતું. આ ઘટનાને નરી આંખે જોનારા સ્થાનિક લોકોનું કહેવું હતું કે કેટલાંક લોકો ખેતરમાં ખેતીનું કામ કરી રહ્યા હતા અને તેઓ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આ ઘટના વિશે મેં રાજ્ય સરકારને જાણ કરી દીધી છે. જિલ્લા વહિવટીતંત્ર આ અંગે પગલાં લઇ રહ્યું છે અને અમે સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ એમ એસએસબી ઇન્સપેક્ટર જનરલ સંજય કુમારે એએનઆઇ સમાચાર સંસ્થાને કહ્યું હતું. સોનવરસા પોલીસ સ્ટેશન હેઠળ આવતા લાલબંદી વિસ્તાર સ્થિત જાનકી નગર બોર્ડર ઉપર આ ઘટના બની હતી એમ તેમણે ઉમેર્યું હતું.
બીજી બાજુ નેપાળના સૈન્યએ કહ્યું હતું કે ભારતના સૈનિકોએ ભારત-નેપાળ સરહદને ઓળંગી ત્યારબાદ અમે ફાયરિંગ કર્યું હતું. નારાયણપુર સરલાહી બોર્ડર ઉપર તૈયાનત નેપાળના આર્મ્ડ પોલીસ ફોર્સ (એપીએફ)ના અધિકારીએ વો કર્યો હતો કે, ભારતીયોના એક જૂથે બોર્ડર પોઇન્ટ ઉપરથી બળજબરીપૂર્વક નેપાળમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ આ અથડામણ ફાટી નીકળી હતી. નેપાળના મીડિયામા પ્રસારિત થયેલા અહેવાલોમાં પણ એવો દાવો કરાયો હતો કે ભારતીયોના જૂથને પાછા ધકેલી દેવા એપીએફના જવાને પ્રથમ દસ શોટ હવામાં ફાયર કર્યા હતા.
ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે શહેરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્થાનિક લોકોએ તો એવો પણ દાવો કર્યો હતો કે નેપાળના સૈનિકો ભારતના કેટલાંક નાગરિકોને પણ પકડીને લઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિને ૨૫ વર્ષિય દિકેશ કુમાર તરીકે અને બે ઇજાગ્રસ્તોને ઉમેશ રામ અને ઉદય ઠાકુર તરીકે ઓળખી કઢાયા હતા. ઉમેશ રામને જમણા હાથમાં અને ઉદય ઠાકુરને જમણા પગની જાંઘમાં ગોળી વાગી હતી.