ચૂંટણી ઢંઢેરામાં કોરોના રસીની જાહેરાત જ ભાજપની હતાશા દર્શાવે છે, શું ભાજપને મત નહીં આપનારા લોકોને મફત વેક્સિન નહીં મળે ? કોરોના વેક્સિન સમગ્ર દેશની છે ભાજપની જાગીર નથી, પહેલાં એ કહો કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ક્યારે આપશો ? : તેજસ્વી યાદવ

(એજન્સી) પટના, તા. ૨૨
ભાજપે પોતાના બિહાર ચૂંટણી ઢંઢેરામાં રાજ્યના લોકોને મફત કોરોના વેક્સિન આપવાની જાહેરાત કરાયા બાદ આકરીટીકાઓનો સામનો કરવો પડ્યો છે અને વિપક્ષી પાર્ટીઓએ પૂછ્યું છે કે, આ માત્ર ભાજપ શાસિત રાજ્યોમાં જ મફત આપવામાં આવશે કે શું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં પાર્ટીએ જણાવ્યું હતું કે, બિહારમાં એનડીએ સરકારે કોરોના સામે લડવામાં એક ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. અમારો વાયદો છે કે, આઇસીએમઆરની પરવાનગીમળ્યા બાદ દરેક બિહારીને કોરોનાની વેક્સિન મફતમાં આપવામાં આવશે. આ જાહેરાતની આકરી ટીકા કરતા વિપક્ષે કહ્યું છે કે, ચૂંટણી ઢંઢરામાં વેક્સિનનો વાયદો જ ભાજપની હતાશા દર્શાવે છે અને પૂછ્યું હતું કે, શું જે ભારતીયો ભાજપને મત નથી આપતા તેમને કોરોનાની વેક્સિન મફત નહીં મળે ? સત્તાધારી શાસન પર વ્યંગ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે માત્ર કોરોનાની પ્રક્રિયાનો વ્યૂહ જાહેર કર્યો છે.
હવે લોકો તેને મેળવવાની જાણકારી માટે રાજ્યવાર ચૂંટણી કાર્યક્રમોને પણ જોઇ શકે છે.
રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં કહ્યું કે, ભારત સરકારે કોરોના વાયરસની રસી સુધી લોકોની પહોંચ સાથે જોડાયેલી પોતાની રણનીતિની જાહેરાત કરી દીધી છે, મહેરબાની કરીને આ જાણવા માટે રાજ્યવાર ચૂંટણી કાર્યક્રમોની જાણકારી લો અને જાણો કે, તમને આ બીજા જુઠ્ઠા વાયદાઓના સંગ્રહ સાથે ક્યારે મળશે. આ દરમિયાન ભાજપ અન્ય વિપક્ષી દળોના ઘેરામાં આવી ગયો છે. રાજદ નેતા તેજસ્વી યાદવે ભાજપ કોરોના અંગે નિશાન સાધતા કહ્યું છે કે, કોરોનાની રસી સમગ્ર દેશની છે ભાજપની નહીં. ભાજપ પાસે બિહાર ચૂંટણી માટે ચહેરો પણ નથી ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વિઝન ડોક્યુમેન્ટ જારી કરવામાં આવ્યું છે. તેજસ્વી યાદવે કહ્યું કે, નાણામંત્રીએ પહેલા એ જણાવવું જોઇએ કે, તેમણે બિહારને વિશેષ પેકેજ અને વિશેષ રાજ્યનો દરજ્જો કેમ નથી આપ્યો ? તેજસ્વી ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ ભાજપની ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, બિહાર ચૂંટણીમાં ભાજપ લોકોને કોરોના વેક્સિન આપવાની વાત કરીને તેમને ગેરમાર્ગે દોરી રહ્યો છે. સૂરજેવાલાએ કહ્યું કે, કોરોના મહામારીની વેક્સિન મજાક ઉડાવવા અને જુઠ બોલવાનો વિષય ના હોઇ શકે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટિ્‌વટ કરીને આ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આજે દેશની સત્તાધારી ભાજપ બિહારના પોતાના ઘોષણા પત્રમાં કહે છે કે, તે બિહારના લોકોને કોરોના વાયરસની વેક્સિન મફત આપશે. આવી ઘોષણા ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યો માટે કેમ કરવામાં નથી આવી. આવી અવરસવાદી સંકીર્ણ રાજનીતિનો જવાબ ઉત્તરપ્રદેશ તથા દેશની જનતા આગામી ચૂંટણીઓમાં ભાજપને આપશે. બીજી તરફ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલિવાલે પણ ભાજપના આ વાયદા પર નારાજગી જાહેર કરતા કહ્યું છે કે, જ્યાં ચૂંટણી છે ત્યાં જ કોરોનીની મફત રસી આપવામાં આવશે. બાકીની ૧૨૫ કરોડ જનતા પોતાના રાજ્યોમાં આવનારી ચૂંટણીઓની રાહ જુએ. બીજી તરફ રાજદના ૧૦ લાખ નોકરીઓ આપવાના વાયદા સામે ભાજપે પણ ૧૯ લાખ નોકરીઓ આપવાનું વચન ઢંઢેરામાં આપ્યું છે. ઘોષણા પત્ર જારી કરતા નિર્મલા સીતારમણે છેલ્લા ૧૫ વર્ષમાં બિહારમાં થયેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી.