(એજન્સી) પટના, તા.૯
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિહારની એક હોસ્પિટલની સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, કોરોના પીડિત દર્દીઓની વચ્ચે બે મૃતદેહ પડ્યા છે. આ વીડિયોને આરજેડીના તેજસ્વી યાદવે પણ ટ્‌વીટ કર્યો છે. આ વીડિયો કોરોનાના દર્દીઓ માટે વિશેષ રીતે તૈયાર બિહાર સરકારની એક માત્ર હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજની છે. વીડિયોમાં એક યુવક જે પોતાને કોરોના દર્દીનો પુત્ર બતાવી રહ્યો છે. તે દાવો કરી રહ્યો છે કે, એનએમસીએચમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓના મૃતદેહોની સાથે જીવિત દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. વીડિયોમાં એનએમસીએચના કોરોના વોર્ડમાં ફરી રહ્યો છે અને બતાવી રહ્યો છે કે, કેવી રીતે અહીં મૃત્યુ પામેલા દર્દીઓને કોરોનાના બાકી દર્દીઓથી અલગ કરવામાં આવી રહ્યા નથી તે યુવક દાવો કરી રહ્યો છે કે, ડેડ કોરોનાના દર્દી મૃતદેહોની વચ્ચે સારવાર કરાવવા માટે વિવશ છે. આ વીડિયો શેર કરતાં તેજસ્વી યાદવે લખ્યું કે, બિહારની ભયાવહ સ્થિતિ જુઓ. એનએમસીએચના કોરોના વોર્ડમાં બે દિવસથી મૃત દર્દીઓના મૃતદેહ રાખવામાં આવ્યા છે. સ્વસ્થ દર્દી બાજુના બેડ પર છે. કોઈ ડૉક્ટર, નર્સ અને આરોગ્ય કર્મચારી નથી. કુટુંબીજનો સારસંભાળ રાખી રહ્યા છે. ડૉક્ટર, નર્સ અને વેન્ટીલેટર મુખ્યમંત્રી આવાસ મોકલી દેવામાં આવ્યા છે. જો કે, ત્યાં પણ ૬૦ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. સાથે જ તેમણે લખ્યું કે, સરકાર ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. સ્થિતિ વધુ ગંભીર થવાની છે. ૧પ વર્ષીય ખુર્શીવાદી સરકારના વિશ્વાસે ના રહો, પોતાનું ધ્યાન પોતે રાખો. જણાવી દઈએ કે, બુધવારે અત્યાર સુધી એક દિવસમાં કોરોનાના ૭૪૯ કેસ સામે આવ્યા છે. જેનાથી રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા વધીને ૧૩,ર૭૪ થઈ ગઈ છે. ત્યાં ૧૦૦થી વધુ કોરોના પીડિતોના મોત નિપજ્યા છે. હાલમાં રાજ્યમાં ૩૬રર સક્રિય કેસ છે જ્યારે ૯પ૪૧ દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.