(એજન્સી)                તા.૪

સીબીઆઈએ પોતાના જ એક પૂર્વ અધિકારીની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી છે. કેન્દ્રીય તપાસ બ્યુરોમાં પોલીસ ઓફિસરના પદ પરથી નિવૃત્ત થનાર એનએમપી સિંહાની ધરપકડ વિશે શનિવારે માહિતી અપાઈ હતી. એન.એમી.પી. સિંહા આજ વર્ષે ઓગસ્ટમાં નિવૃત્ત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, નિવૃત્તિ અગાઉ તેઓ સીબીઆઈના આર્થિક ગુનાની શાખામાં ઓફિસરના પદ પર હતા. સીબીઆઈમાં એસપી રહી ચૂકેલા એનએમપી સિંહાની શનિવારે લાંચ લેવાના આરોપમાં નવી દિલ્હીમાંથી ધરપકડ કરાઈ છે. તેમના ઉપર રપ લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. સિંહા સીબીઆઈના પૂર્વ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાનાના ઓફિસર અને સ્પેશિયલ ડ્યુટી પણ રહી ચૂક્યા છે. જો કે લાંચ લેવાનો આરોપ કઈ બાબત સાથે સંકળાયેલો છે તેનો અત્યારસુધી ખુલાસો થયો નથી. સિંહા આ અગાઉ એન્ટી કરપ્શન સ્ક્વોડ (એસીએસ)માં એસએસપી પણ રહી ચૂક્યા છે. જણાવી દઈએ કે સિંહા તે જ અધિકારી છે જે બિહારના બહુ ચર્ચિત ઘાસચારા કૌભાંડની તપાસ કરનાર ટુકડીનો એક ભાગ હતા. આ કેસમાં બિહારના રાજદના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ હજી પણ જેલની સજા કાપી રહ્યા છે.