અસદુદ્દીન ઓવૈસીએ હવે દેશના દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, તેમણે જાહેરાત કરી કે તેમની પાર્ટી AIMIM હવે પશ્ચિમ બંગાળ અને UPની આગામી ચૂંટણી સહિતની દરેક ચૂંટણી લડશે

(એજન્સી) તા.૧૧
બિહારની ચૂંટણીમાં અપેક્ષા કરતા સારા પરિણામોથી ઉત્સાહિત ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હવે દેશના દરેક રાજ્યમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી હતી કે, પાર્ટી હવે પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશની આગામી ચૂંટણી સહિતની દરેક ચૂંટણી લડશે. ઓવૈસીએ અનેક રાજ્યોમાં તેમની હાજરીનો સંકેત આપ્યો અને AIMIM રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત કરવાના સંકેત આપતા કહ્યું કે, હું પશ્ચિમ બંગાળ, યુપીની સાથે-સાથે ભારતની દરેક ચૂંટણી લડીશ. ફક્ત મૃત્યુ જ મને રોકી શકે છે. શું ચૂંટણી લડતા પહેલાં મારે કોઈને પૂછવું પડશે ? હું નિર્દોષ માટે લડું છું. મારી પાર્ટીને વિસ્તૃત કરવાનો મને સંપૂર્ણ અધિકાર છે. હૈદરાબાદમાં સાંસદ ઓવૈસીએ ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાની અને જીતવાનો ઈરાદો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘અસદુદ્દીન ઓવૈસી એક સ્ટાર છે. મારે જે કરવાનું છે તે કરૂં છું.’ જણાવી દઈએ કે, AIMIMએ તેજસ્વીની પાર્ટી આરજેડીની રમતને બગાડતા બિહારના સીમાંચલની ૫ાંચ બેઠકો પર જીત મેળવી છે. હવેથી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રવેશવાનો સંકેત આપતા ઔવેસીએ કહ્યું કે, ‘અમે બંગાળ આવી રહ્યા છીએ અને કોઈપણ કિંમતે ત્યાં જઈશું. અમે મુર્શિદાબાદ, માલ્દા, દિનાજપુરના વિસ્તારોની મુલાકાત લઈશું. શું અધિર રંજન ચૌધરીએ ત્યાંના મુસ્લિમોનો ઠેકો લીધો છે ? ઓવૈસીએ બિહારની સફળતા માટે અલ્લાહનો આભાર માન્યો હતો અને પાર્ટીના કાર્યકરોની પ્રશંસા પણ કરી હતી. આ સાથે તેમણે ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ (GDSF)ના નેતાઓનો આભાર માન્યો અને બસપા ચીફ માયાવતીને તેમની બહેન ગણાવ્યા. ઉત્તરપ્રદેશમાં પણ ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.