(એજન્સી)નવી દિલ્હી, તા. ૩
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે સહમતી સધાઇ છે અને મહાગઠબંધનના નેતા તરીકે સર્વાનુમતે તેજસ્વી યાદવ પસંદગી પામ્યા છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૭૦ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે એક લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં રાજદનું સમર્થન પણ મળશે. બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળ ૧૪૪ બેઠકો પર ચૂંટણી લડશે અને તેમાંથી કેટલીક બેઠકો જેએમએમ અને વીઆઇપીને પણ ફાળવાશે. બીજી તરફ ડાબેરી પક્ષોની વાત કરવામાં આવે તો સીપીએમને ચાર બેઠક, સીપીઆઇને છ બેઠક અને માલેને ૧૯ બેઠકો મહાગઠબંધનમાં ચૂંટણી લડવા માટે મળી છે. તેજસ્વી યાદવ દ્વારા આ બેઠકોની વહેંચણીની જાહેરાત કરાતા જ હોબાળો થયો હતો અને વીઆઇપી પાર્ટીના પ્રમુખ મુકેશ સાહનીએ બેઠકોને લઇને નારાજગી દર્શાવતા ગઠબંધનમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજદે બેઠકોની સમજૂતીની વાત કરી હતી. પરંતુ તેમણે વાત કર્યા વિના જ જાહેરાત કરી દીધી. આ પહેલા તેજસ્વી યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મારા નેતૃત્વ પર વિશ્વાસ રાખનારા તમામ પક્ષોને હું વાયદો કરૂં છું કે, હું તમામ વાયદા પુરા કરીશ. તેમણે કહ્યું કે, બિહારમાં ડબલ એન્જિનની સરકાર આઇસીયુમાં છે અને ૧૫ વર્ષમાં એક કારખાનું પણ નથી લાગ્યું ઉપરાંત ખેડૂતોનું શોષણ થયું છે. બિહારના ખેડૂતો વધુ ગરીબ થઇ ગયા છે. અવિનાથ પાંડેએ મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે, તેમણે જનતાના બહુમતનું અપહરણ કર્યું છે. લાલુ યાદવે કોંગ્રેસને હંમેશા સાથ આપ્યો છે. અમારા આંતરિક મતભેદો બાદ પણ ધર્મનિરપેક્ષ અને બંધારણમાં વિશ્વાસ રાખનારા પક્ષો એકસાથે આવ્યા છે. આજે દેશના બંધારણને કચડી નખાયું છે. ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભાનીં ૨૪૩ બેઠકો પર ચૂંટણી યોજાશે અને તેમાં આરજેડી ૧૪૪ તથા કોંગ્રેસ ૭૦ બેઠકો પર મહાગબંધન તરીકે ચૂંટણી લડશે. મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવ રહેશે.