(એજન્સી) તા.૧૪
ભાજપે બિહારમાં બીજા નંબરના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવવા પોતાની સંખ્યામાં સુધારો કરી શકેલ છે અને નીતિશકુમારને ફરીથી મુખ્ય પ્રધાન તરીકે સ્થાપિત કરીને પોતાની પડખે રાખવા માટેની દરકાર લીધી છે. તેના બે કારણો છે. એક તો તેમને ગઠબંધનમાંથી છોડવાનું જોખમ લઇ શકાય તેમ નથી કારણ કે તેને કારણે વિપક્ષો સત્તામાં આવી શકે છે અને બીજુ હજુ ભાજપે સાનુકૂળ આંકડા સુધી પહોંચવાનું બાકી છે. નીતિશકુમાર મુખ્ય પ્રધાન બનશે પરંતુ તેમના પક્ષ જદયુનું વર્ચસ્વ ઘટ્યું છે અને ભાજપ કરતાં ઓછી બેઠકો મળી છે. એક સ્થાનિક મહિલા નેતાએ પત્રકારોને જણાવ્યા મુજબ નીતિશકુમારે ભૂતકાળમાં કેટલીક ભૂલો કરી છે પરંતુ હવે તેઓ આવી ભૂલ કરે નહીં તે અમે સુનિશ્ચિત કરીશું. પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન નીતિશકુમારના પગ નીચેથી હવે ધરતી સરકી ગઇ છે. તેજસ્વી યાદવની સભામાં ઉમટી પડેલી માનવ મેદનીને જોઇને નીતિશકુમારને સમજાઇ ગયું હતું કે તેમણે હવે સમર્થન ગુમાવી દીધું છે અને ભાજપ તેમના પક્ષથી આગળ વધી રહ્યો છે. તેમણે કદાચ ભાજપ માટે એ સંદેશ છોડ્યો છે કે જો તમે મારી સાથે યોગ્ય વ્યવહાર નહીં કરો તો હું તમને છોડીને ચાલ્યો જઇશ અને આ જ કારણ છે કે તેમને મુખ્ય પ્રધાન પદે ચાલુ રાખવામાં આવ્યાં છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પણ ધૂળ ચાટતી થઇ ગઇ છેે. જો કે વિચિત્ર વાત એ છે કે કોંગ્રેસમાં હજુ પણ આત્મનિરીક્ષણ કરવાનો મૂડ નથી. જ્યારે જ્યારે કોંગ્રેસનો રકાસ થાય છે ત્યારે ત્યારે આત્મ નિરીક્ષણ કરવાના બદલે કોેંંગ્રેસ રકાસ માટે કોને બલિના બકરા બનાવવા તેની શોધમાં હોય છે. આ માટે મોટા ભાગે રાહુલ ગાંધીને જવાબદાર ગણાવવામાં આવે છે. જો કોંગ્રેસે વિધાનસભાની ૭૦ના બદલે ૩૫ બેઠકો પર ચૂંટણી લડી હોત તો તેનો દેખાવ ઘણો સારો રહ્યો હોત. માત્ર બિહારમાં જ નહીં પરંતુ પેટા ચૂંટણીમાં પણ મ.પ્ર. સિવાય તમામ રાજ્યોમાં પરાજય થયો છે અને કોંગ્રેસ માટે બિહારમાં બીજો બલિનો બકરો અલબત બીજું કોઇ નહીં પરંતુ અસદુદ્દીન ઓવૈસી છે કે જેમના પર બિહારમાં મતો કાપવાનો પ્રહાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના ઇશારે કામ કરી રહ્યાં હોય એવા પણ આક્ષેપ થાય છે. સત્ય શું છે એ ખબર નથી પરંતુ એક હકીકત એ છે કે ઓવૈસી પાંચ બેઠકો જીતી ગયા છે અને રનરઅપ તરીકે ઊભરી આવ્યાં છે. આમ બિહારમાં ખરા અર્થમાં પરાજિત નીતિશકુમાર અને કોંગ્રેસ બંને છે.
– સીમા મુસ્તફા
(સૌ. : ધ સિટિઝન.ઈન)