પાલનપુર, તા.૧૦
બિહારમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો ર૧ રાજ્યોમાં શુભારંભ કાર્યક્રમ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી સાથે જોડાયેલી ૧૦ મહિલાઓની એક-એક કરોડની કમાણીનું ઉદાહરણ આપતા જિલ્લામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે મહેનત કરીને કમાણી કરતી બહેનોમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ છે. વડાપ્રધાને તેમના સંવાદમાં જણાવ્યું હતું કે, ગુજરાતની બનાસ ડેરીની ૧૦ બહેનો કે જેઓ ગામડાની ખેડૂત પરિવારની ઓછું ભણેલી બહેનો છે. પરંતુ તેઓ એક-એક કરોડ રૂપિયાનો દૂધનો કારોબાર કરે છે. તેમણે ઉમેર્યું કે, તમે બનાસ, સાબર કે અમૂલ ડેરીની વેબસાઈટ પર જોશો તો તમને ઘણી બધી બહેનોના પરાક્રમની જાણકારી મળશે. ઉલ્લેખનીય છે કે, બિહારના પશુપાલકો માટેના લાઈવ ઉદ્‌બોધન દરમિયાન વડાપ્રધાને બનાસકાંઠાની મહિલાઓના ઉદ્યમી સ્વભાવ અને તેમની મહેનત દ્વારા મેળવેલી કરોડોની કમાણીનું ઉદાહરણ આપીને તેમાંથી પ્રેરણા લેવાનું જણાવ્યું હતું. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાની મહેનતુ બહેનો દ્વારા મેળવેલી સિદ્ધિ મોદી સરકારની પશુપાલકો લક્ષી નીતિ તેમજ સતત માર્ગદર્શનનું પરિણામ હોવાનું જણાવીને વડાપ્રધાનો જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.