(એજન્સી) નવી દિલ્હી, તા.૪
બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)માં છેલ્લા કેટલાક સમયથી પડેલી તિરાડ હવે ખાઈ બની ગઈ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. એલજેપીએ એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી. એલજેપીની સંસદીય બોર્ડની રવિવારે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, એલજેપી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. એટલે કે, વિધાનસભા ચૂંટણીમાં એલજેપી એનડીએનો ભાગ નહીં હોય. અલબત્ત એલજેપીએ ભાજપના નેતૃત્વમાં બિહારમાં સરકાર રચવાની તૈયારી બતાવી હતી. એલજેપી ભાજપનો સાથ નહીં છોડે.
રવિવારે એલજેપીની બેઠકમાં ભાજપનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, એલજેપીના તમામ ધારાસભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત કરવા કામ કરશે. એલજેપી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તે હજુ નક્કી થયું નથી પણ તે જેડીયુના દરેક ઉમેદવાર સામે પોતાના ઉમેદવાર ઊતારશે. ચિરાગ પાસવાને દાવો કર્યો હતો કે, ચૂંટણીમાં અમારો વિજય થશે. એક વર્ષથી બિહાર પ્રથમ, બિહારી પ્રથમના માધ્યમથી ઉઠાવવામાં આવેલા સવાલોથી એલજેપી પીછેહઠ કરવા તૈયાર નથી. એલજેપી સંસદીય સમિતિએ સર્વાનુમતે બેઠકમાં ભાજપના પ્રસ્તાવ પર મંજૂરીની મ્હોર મારી હતી. બેઠકમાં જણાવાયું હતું કે, બિહારની ચૂંટણી બાદ એલજેપીના તમામ ધારસભ્યો ભાજપના નેતૃત્વમાં સરકાર બનાવશે. ભાજપ અને એલજેપી વચ્ચે કોઈ મતભેદ નથી. જેડીયુ અને એલજેપીમાં મતભેદો છે. બેઠકમાં બોર્ડના તમામ સભ્યોએ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાનની તબિયત અંગે ચર્ચા કરી તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.
બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એનડીએમાં બેઠક વહેંચણી મુદ્દે માથાકુટ જારી છે. આ વચ્ચે રવિવારે બપોરે ત્રણ વાગ્યે એલજેપી સંસદીય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એલજેપી પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાને પોતાની પાર્ટીના બિહાર પ્રથમ બિહારી પ્રથમ દ્રષ્ટિકોણ માટે લોકોનું સમર્થન માંગ્યું હતું. આ એ વાતનો સંકેત હતો કે, એલજેપી એનડીએના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે. આ ઉપરાંત ચિરાગ પાસવાને એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમની પાર્ટીના દરેક નેતા મોદીના હાથ મજબૂત કરશે. દ્રષ્ટિપત્રને મોદીથી પ્રેરિત ગણાવતાં ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, તેમને જેડીયુના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી નિતિશ કુમાર સામે નારાજગી છે.