(એજન્સી) તા.૨૩
બિહાર વિધાનસભાની ચૂંટણી આડે જ્યારે હવે ત્રણ સપ્તાહ બાકી છે ત્યારે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી ઢંઢેરામાં પ્રથમ વચન એ આપવામાં આવ્યું છે કે જો રાજ્યમાં ભાજપ સત્તારુઢ થશે તો તે વિનામૂલ્યે કોવિડ-૧૯ વેક્સિન આપવાની વ્યવસ્થા કરશે. પ્રથમ દ્રષ્ટિએ આ વચનનો શું એવો અર્થ થાય છે કે જો બિહારની ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે તો શું તેમને કોવિડ-૧૯ની વેક્સિન નહીં આપવામાં આવે ? તેનો અર્થ એવો પણ થાય છે કે અન્ય રાજ્યોને વેક્સિન વિનામૂલ્યે નહીં આપવામાં આવે ? ભાજપ વતી કેન્દ્રીય નાણાપ્રધાન દ્વારા કરવામાં આવેલ આ જાહેરાત આદર્શ આચારસંહિતા સાથે કઇ રીતે મેચ થાય છે તે સમજાતું નથી. બે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરોએ ધ વાયર સાથે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે વિનામૂલ્યે બિહાર માટે કોવિડ-૧૯ વેક્સિન આપવાની નિર્મલા સીતારનની જાહેરાતથી આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ થાય છે. જો આ જાહેરાત કરવાની જ હતી તો નીતિશકુમારે કેમ ન કરી ? ગમે તેમ તો પણ ભાજપ એનડીએ તરીકે જનતાદળનો સાથી પક્ષ છે. બીજું જે વચન રાષ્ટ્રીય સરકારે એટલે કે કેન્દ્ર સરકારે પૂરૂં કરવાનું છે તે વચન રાજ્યની ચૂંટણી લડતી પાર્ટી કઇ રીતે કરી શકે ? વિનામૂલ્યે વેક્સિન આપવાનો નિર્ણય આખરે કેન્દ્રએ લેવાનો છે. બીજું રસીકરણ એ કોઇ માત્ર વ્યક્તિને ઇન્જેક્શન આપવા જેવી સરળ ઝુંબેશ નથી. તેની કાર્યક્ષમતા સામુદાયિક સ્તરના ચેકઅપ પર આધારીત હોય છે. તેમાં આડઅસરોનું મોનિટરીંગ કરવું પડે છે. આ બધી સિસ્ટમ વગર વિનામૂલ્યે આપવામાં આવતી વેક્સિન પણ નિરર્થક બની જાય છે. ત્રીજું જો આ વેક્સિન વિનામૂલ્યે પૂરી પાડવાનું ખરેખર શક્ય હોય તો સરકાર વોટની સામે વિનામૂલ્યે વેક્સિન આપવાની જાહેરાત કેમ કરે છે ?
૮, ઓગસ્ટના રોજ સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોવિડ-૧૯ વેક્સિનના ડોઝનો ભાવ રૂા.૨૨૫ રાખવામાં આવે. હવે બિહારની વસ્તી ૧૦ કરોડ કરતાં વધુ છે તો તેની પાછળ ડબલ ડોઝની ગણતરીએ રૂા.૪૫૦૦ કરોડનો ખર્ચ આવશે અને આ નાણાં ક્યાંથી આવશે ? આમ બિહારમાં વોટના બદલામાં વિનામૂલ્યે કોવિડ વેક્સિન આપવાની ભાજપની ઓફર એ સ્પષ્ટપણે એક પ્રકારની લાંચ જ છે.
Recent Comments