(એજન્સી) તા.૨૪
બિહારમાં વધતાં કોરોના વાયરસના કેસ તથા તેના લીધે થઈ રહેલા મૃત્યુને કારણે બિહારની સરકાર તથા ત્યાંની પ્રજા પર ધીમે ધીમે અસર દેખાવા લાગી છે. રાજ્યની સરકાર કોરોના વાયરસની મહામારીને ગંભીરતાપૂર્વક લેવામાં તદ્દન નિષ્ફળ રહી છે. તે તો રાજ્યની રાજધાનીની સ્થિતિ જોઈને જ દેખાઈ આવે છે. બિહારની રાજધાની પટણાની વાત કરીએ તો હવે જ્યાં ત્યાં લોકોની ભીડ દેખાઈ આવે છે અને લોકો જાણે સોશિયલ ડિસ્ટન્સિંગને તો ભૂલી જ ગયા છે. અહીંયા માસ્ક પહેરેલી વ્યક્તિ પણ તમને ભાગ્યે જ જોવા મળશે તેવી સ્થિતિ છે. બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેને તેમ છતાં વિશ્વાસ છે કે હજુ પણ બિહારમાં કોરોના વાયરસની સ્થિતિ કાબૂમાં છે.
સંયુક્ત સચિવ(હેલ્થ)લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની કેન્દ્રીય સમિતિએ દાવો કર્યો હતો કે અમે સરકાર દ્વારા લેવાયેલા પગલાથી સંતુષ્ટ છીએ. જોકે મીડિયાના અહેવાલોમાં દાવો કરાયો છે કે કેન્દ્રની આ સમિતિએ રાજ્યની નીતીશ સરકારને કમર કસી લેવા તથા ટેસ્ટિંગમાં વધારો કરીને સુવિધાઓ સુધારવા માટે કહ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જ રિપોર્ટ કરાવ્યો હતો અને સદભાગ્યે એજ દિવસે તેમને રિપોર્ટ આપી દેવાયો અને તે નેગેટિવ આવ્યો. જોકે તેમની જેમ રાજ્યના અન્ય લોકો ભાગ્યશાળી નથી કેમ કે એવા અનેક લોકો હતા જેઓ મૃત્યુ પામી ગયા બાદ તેમને રિપોર્ટ આપવામાં આવ્યો. જોકે એવી અનેક ઘટનાઓ પણ બની હતી જેમાં નમૂના તો લેવાયા જ નહીં અને કોરોના અંગેનો રિપોર્ટ આપી દેવાયો. પટણામાં એક પત્રકાર ગ્રૂપમાં વાત થઇ કે કુમાર સૌરભ નામની વ્યક્તિએ જણાવ્યું કે તે પટણાની સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા ગયો હતો. ૨૦ જુલાઈએ તેનું ફોર્મ ભરાવાયું અને વેઈટ કરવા કહેવાયું. જોકે બે કલાક રાહ જોયા બાદ પણ નમૂના ન લેવાતા તે ત્યાંથી જતો રહ્યો. જોકે તેમ છતાં તેને અમુક દિવસ બાદ હોસ્પિટલ દ્વારા રિપોર્ટ મોકલી દેવાયો અને તેને નેગેટિવ જાહેર કરાયો.