(એજન્સી) પટના, તા.૧૬
બિહારના દરભંગામાં મોદી સમર્થકનું ગળું કાપી મોતને ઘાટ ઉતારવાના મામલો સામે આવ્યો છે. મળેલ જાણકારી મુજબ, દરભંગામાં એક કુટુંબે પોતાના વિસ્તારના એક ચોકનું નામ મોદી ચોક રાખતા મહાગઠબંધનના સમર્થકોએ પરિવારના વ્યક્તિની ગળું કાપી હત્યા કરી દીધી અને પોતાના પિતાને બચાવવા આગળ આવેલ પુત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલામાં મૃતકનો પુત્ર ગંભીરરૂપે ઘાયલ થયો હતો. ત્યારબાદ ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના બાદથી ભાજપના સમર્થકો સતત હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે.
મૃતકના પરિજનોએ કહ્યું કે, મોદીના નામે ચોકનું નામ રાખી મોદીની તસવીર લગાવવા બદલ મહાગઠબંધનના લોકો નારાજ હતા. આ પહેલાં પણ આ મુદ્દે મારપીટ થઈ હતી. પેટાચૂંટણીમાં મળેલ જીત બાદ મહાગઠબંધન સાથે જોડાયેલ લોકોએ અતિઉત્સાહમાં આવી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો કુટુંબીજનોએ આરોપ મૂક્યો છે.
ઘટનાના વિરોધમાં ભાજપ સમર્થકોએ દરભંગામાં કપૂરી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા. ઘાયલ રામચંદ્રએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મુદ્દે તેમના ભાઈની હત્યા કરવામાં આવી હતી જ્યારે ચોક ખોલવાના ૬ મહિના બાદ ૧પ માર્ચના રોજ તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સાથે જણાવેલ કેટલાક લોકોનું માનવું છે કે આ ગેંગવોરનું પરિણામ છે. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે અને તેમનું માનવું છે કે આ મુદ્દો જમીન વિવાદનો હોઈ શકે છે. પીડિતના નિવેદનના આધારે કેટલાક લોકોની ધરપકડ કરાઈ છે. પોલીસે નિવેદન આપ્યું છે કે આ હત્યા મોદી ચોક નામ રાખવાના કારણે થઈ છે એવું સ્પષ્ટપણે કહી શકાય નહીં.