(એજન્સી) પટણા, તા.૫
બિહાર વિધાનસભાના ત્રીજા તબક્કા માટેના ચૂંટણી પ્રચાર વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીમાન્ચલ, કોસી અને મીથીલા ક્ષેત્રમાં હિન્દુત્વનો રાગ આલાપ્યો હતો. ઉત્તર બિહારના આ ક્ષેત્રમાં ત્રીજા તબક્કામાં ૭૮ બેઠકો પર મતદાન યોજાનાર છે. આ ક્ષેત્રના ફોરબીસગંજ અને સહરસા ખાતે રેલીને સંબોધિત કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આ લોકો જય શ્રી રામ સાંભળવાનું પણ પસંદ કરતાં નથી. ભારત માતાના વિરોધી સંગઠિત થઈ રહ્યાં છે અને એક થઈ મત માંગી રહ્યાં છે. આ સમયે ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં વિકાસ, ગરીબી, જીવનનિવાર્હ અને રોજગાર જેવા મુદ્દાથી હટી કોમી લાઈન પકડી મતદારો વચ્ચે ભાગલા પાડવા શા માટે આવું કર્યું તે આ ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિ અને વસ્તિવિષયક પરિબળના સંકેતોને કારણે છે. સિમાંચલમાં કિશનગંજ, પૂર્ણિયા, અરારીયા અને કથિયાર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં મુસ્લિમોની વસ્તિ વિશેષ પ્રમાણમાં છે. કિશનગંજ ત્રણ વિધાનસભા ભાગમાં વહેંચાયેલું છે. જેમાં ઠાકુરગંજ, બહાદુરગંજ અને કિશનગંજનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોમાં મુસ્લિમોની વસ્તિ ૬૦થી ૬૫ ટકા જેટલી છે. પૂર્ણિયા, કથિયાર અને અરારિયા જિલ્લામાં મુસ્લિમોની વસ્તિ ૩૫ ટકા જેટલી છે. સામાન્ય રીતે મુસ્લિમ મતદારો વચ્ચે ભાગલાં પડાવી હિન્દુ મતોને સંગઠિત કરવા એ પરંપરા રહી છે, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. આ ક્ષેત્રની સરહદો બંગાળ, નેપાળ અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. કોસી વિસ્તારમાં મુસ્લિમોની સાથે યાદવોની વસ્તિ પણ વિશેષ છે. આ યાદવો લાલુ પ્રસાદ યાદવની તરફેણ કરતાં આવ્યા છે. કોસીમાં સહરસા, માધેપુરાનો સમાવેશ થાય છે. મિથિલામાં દરભંગા અને મધુબણીનો સમાવેશ થાય છે, આ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તિ ૨૦ ટકા છે. સામાન્ય રીતે આ ક્ષેત્રમાં ડાબેરી પાર્ટીઓની પકડ મજબૂૂત છે. આ ક્ષેત્રમાંથી જ ૧૯૮૦ અને ૯૦ના દશકમાં સીપીઆઈના વરિષ્ઠ નેતાઓ ચતુરાનંદ મિશ્રા અને ભોગેન્દ્ર ઝાએ રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ ઓળખ બનાવી હતી.