(એજન્સી) તા.૧૧
લગભગ ૧૮ કલાકની મતગણતરી પછી બિહારમાં પરિણામોની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. એનડીએ ૧૨૫ સીટ સાથે સત્તા બચાવવામાં સફળ રહ્યું, પરંતુ સૌથી વધુ નુકસાન ભોગવનાર પાર્ટી નીતિશકુમારની જેડીયુ જ રહી. બિહાર વિધાનસભાની તમામ ૨૪૩ સીટના પરિણામો આવી ગયા છે. એનડીએએ ૧૨૫ સીટ જીતીને પૂર્ણ બહુમતી માટે જરૂરી ૧૨૨ સીટના જાદુઈ આંકડાને પાર કરી લીધો છે. મહાગઠબંધનને ૧૧૦, એઆઈએમઆઈએમને ૫ અને અન્યને ૩ સીટ પર જીત મળી છે. આ અગાઉ ટ્રેન્ડ્‌સમાં એનડીએએ સવારે સાડાદસ વાગ્યે જ બહુમતીનો આંકડો પ્રાપ્ત કર્યો હતો, પણ લગભગ આઠ કલાક પછી એટલે કે સાંજે સાડાછ વાગ્યે લગભગ તસવીર બદલાઈ ગઈ. એનડીએ ૧૩૪થી ઘટીને ૧૨૦ પર આવી ગયું. જો કે, બે કલાક પછી જ તેણે ફરી ૧૨૩ સીટ પર સરસાઈ સાથે બહુમતીનો આંકડો પાર કરી લીધો. ૨૩ સીટ પર મતોનું માર્જિન ૨૦૦૦થી ઓછું હતું, તેથી એનડીએની સીટો બહુમતીથી ઓછી-વધુ થતી રહી. સોમવારે રાતે લગભગ સાડાનવ વાગ્યે આરજેડી અને કોંગ્રેસના નેતા નીતિશની ફરિયાદ કરવા ચૂંટણીપંચના કાર્યાલયે પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બિહારના દરેક મતદારે સ્પષ્ટ બતાવી આપ્યું છે કે, તેમની પ્રાથમિકતા માત્રને માત્ર વિકાસ છે. સીમાંચલમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે મજબૂત પ્રદર્શન કરતા પાંચ બેઠકો જીતી હતી અને તેણે રાજદ તથા કોંગ્રેસ સહિત તેના ગઠબંધનનો ખેલ બગાડી નાખ્યો હતો. જો કે, મહાગઠબંધને આ પરિણામો સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો. જો કે, હવે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે મામલે પણ પિક્ચર સ્પષ્ટ થઈ ગયું છે અને બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ સ્પષ્ટતા કરી દીધી હતી કે, એમાં કોઈ શંકા નથી કે ફરીવાર સત્તામાં એનડીએ આવી ગયું છે અને નીતિશકુમારને જ ફરીવાર મુખ્યમંત્રી બનાવવામાં આવશે.