(એજન્સી) તા.૧૨
૨૪, માર્ચના રોજ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યુ હતું. ભારતમાં સૌથી કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં જેના કારણે ૧.૩ અબજ લોકોની ઇકોનોમી ખોરંભે પડી ગઇ હતી. માત્ર ચાર કલાકની નોટિસમાં કોઇ પણ જાતની તૈયારી વગર લોકડાઉન લાગુ કરાયુ ંહતું. જાહેર પરિવહન બંધ હોવાથી અટવાયેલા લાખો ભારતીયોને વતન જવા માટે પગે ચાલીને કે સાયકલ પર જવાની ફરજ પડી હતી.
પરંતુ આ પ્રકારની અભૂતપૂર્વ કાર્યવાહી અને લોકડાઉનની રાજકીય અસર શું પડી ? એક શબ્દમાં કહેવું હોય તો તેની કોઇ રાજકીય અસર પડી નથી. મંગળવારે બિહાર વિધાનસભાની ચૂંટણીના તેમજ પેટા ચૂંટણીના પરિણામો પરથી એક વાત સ્પષ્ટ છે કે ભારતીયોને લોકડાઉનને કારણે પારાવાર સહન કરવું પડ્યું હોવા છતાં તેમણે આ પગલાના કર્તાહર્તા ભાજપને દોષિત ઠરાવવાનું મુનાસીબ માન્યું નથી. બિહારમાં ભાજપને ૭૪ બેઠકો પ્રાપ્ત થઇ છે અને તેનો વોટશેર ૨૦ ટકા છે. ભાજપ શાસિત એનડીએને ૨૪૩ સભ્યના ગૃહમાં ૧૨૫ બેઠકો મળી છે. આ સત્તા પર નોંધપાત્ર વાપસી છે. બિહારમાં મોટી સંખ્યામાં પ્રવાસી કામદારો હોવાથી લોકડાઉનની સૌથી ખરાબ અસર આ રાજ્યમાં થઇ હતી. પરંતુ ચૂંટણીના પરિણામો પરથી એક સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે મોદી સરકારના લોકડાઉને ભારત માટે અભૂતપૂર્વ હાડમારી ઊભી કરી હતી પરંતુ ભારતીયોએ આ માટે મોદી કે ભાજપને દોષિત ગણ્યાં નથી. તેનું એક કારણ કદાચ એ હોઇ શકે કે ભારતીયો એવું માને છે કે મોદીએ લોકડાઉન જાહેર કરીને વાસ્તવમાં સારી કાર્યવાહી કરી હતી. એક સર્વેમાં ૪૯.૭ ટકા લોકોએ કહ્યું હતું કે આ લોકડાઉન પર્યાપ્ત રીતે સખત હતું અને તેનાથી પણ સખત હોવું જોઇએ. આમ પ્રશ્ન એ ઊભો થાય છે કે મોદીના કોવિડ-૧૯ લોકડાઉનના કારણે ભારતીયોને ઘણુ બધું સહન કરવું પડ્યું હતું તેમ છતાં તેઓ હજુ પણ ભાજપને કેમ વોટ આપે છે ? આ પરથી એક વાત સ્પષ્ટ છે કે ભારતીયોને હજુ પણ વડા પ્રધાનના નેતૃત્વમાં વિશ્વાસ છે અને આ જ કારણોસર મોદીમાં વિશ્વાસ રાખીને ગરીબ ભારતીયોએ ઉદારતાપૂર્વક ભાજપને મત આપ્યા છે.
(સૌ. : સ્ક્રોલ.ઈન)