(એજન્સી) તા.૯
બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ શાસકપક્ષ એનડીએમાં ભંગાણનો ભય વધ્યો છે. જોડાણમાં ભાગીદાર એલજેપીએ આગામી ચૂંટણીમાં ૧૪૩ વિધાનસભા ક્ષેત્રો માટે ઉમેદવારોની યાદી બનાવવાનો નિર્ણય લીધો છે. એલજેપી રાજ્યના મુખ્યમંત્રી અને જેડીયુ, પ્રમુખ નીતિશકુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણીમાં ભાગ લેશે અથવા તેમની વિરૂદ્ધ, આ બાબતે છેલ્લો નિર્ણય લેવા માટે પાર્ટીએ ચિરાગ પાસવાનને સત્તા આપી છે. સોમવારે ચિરાગ પાસવાને દિલ્હીમાં પાર્ટીના બિહારથી સંસદીય બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં આ નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં એલજેપીના કેટલાક નેતાઓએ દાવો કર્યો કે નીતિશકુમાર હવે લોકપ્રિય નેતા તરીકે રહ્યા નથી અને રાજ્ય સરકાર અમલદારો ઉપર જરૂરતથી વધુ આશ્રિત છે. અહીં બિહારમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અમે ઈચ્છા રાખીએ છીએ કે એલજેપી જોડાણમાં ચૂંટણી લડે. તેમણે કહ્યું કે એલજેપી ઉમેદવારોનું જેડીયુ ઉમેદવારો વિરૂદ્ધ ચૂંટણી લડવાથી જોડાણને જ નુકસાન થશે. જણાવી દઈએ કે જેડીયુ ઉપર સતત થતા હુમલાઓ વચ્ચે એલજેપી, ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી આવી છે અને ભાજપ સાથે પોતાનું જોડાણ અકબંધ રાખવા ઈચ્છે છે. ચિરાગ પાસવાનના પિતા રામવિલાસ, મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ છે. દિલ્હીમાં બેઠક પછી બિહારના ધારાસભ્ય અને પાર્ટીના રાજ્ય સંસદીય બોર્ડના પ્રમુખ રાજુ તિવારીએ એક સૂચન જાહેર કર્યું જેમાં બે મુખ્ય વાતો કહેવાઈ હતી. પ્રથમ પાર્ટી દ્વારા ૧૪૩ ઉમેદવારો નકંકી કરવા અને તે યાદીને સંસદીય બોર્ડને મોકલવું. તિવારેએ કહ્યું કે જોડાણના સંબંધમાં નિર્ણય લેવા માટે ચિરાગ પાસવાનને સત્તા આપવાની દરખાસ્ત પસાર કરાઈ છે. તે નક્કી કરશે કે જોડાણમાં રહેવું છે કે નહીં ત્યાં જેડીયુએ કહ્યું કે રાજ્યમાં જે પાર્ટી એનડીએ (રાષ્ટ્રીય લોકશાહી જોડાણ)નો ભાગ છે. તેમને નીતિશકુમારના નેતૃત્વનો સ્વીકાર કરવો પડશે. જેડીયુ પ્રવક્તા કે.સી. ત્યાગીએ કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ, નીતિશકુમારના નેતૃત્વ હેઠળ લડશે. ત્યાગીએ કહ્યું કે જુડીયુએ બિહાર અને અન્ય રાજ્યોમાં ભાજપ જોડે મળીને ચૂંટણી લડી છે. પણ એનડીએના કોઈ અન્ય પક્ષ જોડે નહીં. ત્યાગીએ કહ્યું કે ર૦૦પ હોય, ર૦૧૦ હોય અથવા ર૦૧૯ વિધાનસભા ચૂંટણી હોય, અમે એલજેપી સાથે મળીને ક્યારેય ચૂંટણી લડી નથી. એલજેપીના સૂત્રોએ કહ્યું કે બેઠકમાં પાર્ટીના ઘણા નેતાઓએ દાવો કર્યો કે રાજ્યના લોકો નીતિશકુમારના નેતૃત્વથી સંતુષ્ટ નથી અને કોવિડ-૧૯ મહામારી દરમ્યાન ચૂંટણી યોજવા અંગે ગુસ્સે છે.
Recent Comments