(એજન્સી) બોધીગયા, તા.ર૦
બિહારના બોધીગયા શહેરમાં ગઈરાત્રે એક પછી તીવ્રતાવાળા બોમ્બ વિસ્ફોટ બાદ શહેરમાં ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાએ શુક્રવારે રાત્રે અત્રે એક પ્રાર્થના સભામાં હાજરી આપ્યા બાદ તરત જ બોમ્બ વિસ્ફોટ થયો હતો. સલામતી દળોએ આ વિસ્તારને ઘેરી લઈ બે જીવતા બોમ્બ જપ્ત કર્યા હતા. દલાઈ લામા અહીંયા મંદિરમાં ફેબ્રુઆરી સુધી રોકાવાના છે. બોમ્બ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. ડીઆઈજી વિનયકુમારે કહ્યું કે બે શોધી કાઢેલા જીવિત બોમ્બને નિરંજના નદીના કાંઠે નિષ્ફળ બનાવાશે. આ બોમ્બનું એનઆઈએ દ્વારા નિરીક્ષણ થશે. સિરીયલ બ્લાસ્ટની યોજનાને ટાળી છે. મંદિરમાં બોમ્બ વિરોધી ટીમે શોધખોળ હાથ ધરી છે. બિહાર પોલીસનું કહેવું છે કે, બોમ્બ પ્રવાસીઓમાં ભયનો માહોલ પેદા કરવા મૂકાયા હતા જે વધુ નુકસાન માટે ન હતા. શહેરમાં ઘણા પ્રવાસીઓ છે જેઓ કલચક્ર પૂજામાં બૌદ્ધ મંદિર ખાતે ભાગ લઈ રહ્યા છે. બોમ્બ મંદિરના રસોડા પાસે મૂકાયો હતો. બીજા બે ખોખામાંથી મળી આવ્યા હતા. એક મહાબોધી મંદિરના ગેટ નં.૪ પરથી અને બીજો શ્રીલંકાની મોનેસ્ટ્રી પાસેથી મળી આવ્યો હતો. પહેલો બોમ્બ શુક્રવારે સાંજે પ કલાકે ફૂટ્યો હતો. જેને પોલીસે ભૂલથી ફટાકડા માન્યા હતા. શહેરમાં રાજ્યપાલ સત્યપાલ માલિક સહિત અગ્રણીઓ ઉપસ્થિત છે. સીઆઈએસએ મંદિરની સલામતી સંભાળી લીધી છે. ર૦૧૩માં મહા બોધીગયામાં સિરીયલ બ્લાસ્ટ થયા હતા.