(એજન્સી) નવાદા, તા.૩૦
રામનવમીની ઉજવણી પ્રસંગે થયેલી હિંસાના બીજા દિવસે બિહારના નવાદામાં મૂર્તિની તોડફોડ કરવાના મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક ઝડપો થઈ હતી.
આ ઘટના નેશનલ હાઈવે નંબર-૩૧ પર બાબા ધાબા ખાતે એક પ્રતિમાને ખંડિત કરવા બાબતે સર્જાઈ હતી. બે જૂથો આ મુદ્દે સામસામે આવી ગયા હતા અને એકબીજા સામે પથ્થરો ફેંક્યા હતા. ઘટનાની જાણ થતાં જ સલામતી દળો તૈનાત કરાયા હતા. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના કહેવા અનુસાર કેટલાક તોફાની તત્ત્વોએ મૂર્તિને તોડફોડ કર્યા બાદ બંને કોમો સામસામે આવી ગઈ હતી. નવાદામાં ગત અઠવાડિયે રામનવમીની શોભાયાત્રા પ્રસંગે કેટલાક લોકોએ પથરાવ કરતાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણો સર્જાઈ હતી. જેમાં તોફાનીઓએ ર૦ દુકાનોને આગ લગાડી હતી.
અહેવાલ મુજબ જામા મસ્જિદ નજીક ઓલ્ડ જીટી રોડ પર પ૦ દુકાનો સળગાવી દેવાઈ હતી. અથડામણમાં રં૦ પોલીસ સહિત ૬૦ લોકો ઘવાયા હતા. સોમવારે સ્થિતિ વધુ તંગ થતાં સંચારબંધી લાદવામાં આવી હતી. ગૃહરાજ્યમંત્રી હંસરાજ આહિરે બંગાળ રામનવમીના દિવસે થયેલી કોમી અથડામણો માટે રાજ્ય સરકારોને દોષિત ઠરાવી છે. તેમણે કહ્યું કે કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું કામ રાજ્યોનું છે. અઠવાડિયા પહેલાં ભાગલપુરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબેના પુત્ર અરિજીત શાશ્વતની આગેવાની હેઠળ નીકળેલી રેલી દરમિયાન મોટેથી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે હિંસક અથડામણો થઈ હતી.