(એજન્સી) સમસ્તિપુર, તા.૧૦
બિહારમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન ૭૦ મુસ્લિમ બાળકોને પોતાના ઘરમાં આશ્રય આપીને હિન્દુ ડોક્ટરે કોમી સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અહેવાલ મુજબ, બિહારના અલગ અલગ જિલ્લાઓમાં રપ માર્ચના રોજ રામનવમીના જુલૂસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પાંચ દિવસ સુધી ચાલુ રહી હતી. સમસ્તિપુરના રોસારા ગામમાં ૩૦૦૦થી વધુ યુવા જૂથો બેકાબૂ બન્યા હતા અને ઝિયા ઉલ ઉલૂમ મદ્રેસામાં ઘૂસી બધું નષ્ટ કરી દીધું હતું. આ મદ્રેસામાં ૭૦થી ૮૦ મુસ્લિમ બાળકો અભ્યાસ કરે છે. બાળકો અને સ્ટાફના સભ્યો મદ્રેસાની અડોઅડ આવેલ ડો.અશોક કુમાર મિશ્રાના ઘર તરફ આશ્રય માટે દોડ્યા હતા. ડો.મિશ્રાએ તમામને સાંત્વના અને સલામતીની ખાતરી આપી આશ્રય આપ્યો હતો.
મૌલાના નજીર અહેમદ નજીવીએ જણાવ્યું કે, ટોળાને મદ્રેસા તરફ આવતું જોઈને બાળકો સહિત હું અને સ્ટાફના માણસો ઉપર ચઢી ગયા હતા. આ કમનસીબ દિવસને યાદ કરતા તેમણે કહ્યું કે, પાડોશમાં ડો.અશોક કુમારે આશ્રય આપ્યો ન હોત તો ટોળાએ તેમને મારી નાંખ્યા હોત. ડો.મિશ્રાના માનવતાપૂર્ણ સહયોગને બિરદાવતા મૌલાનાએ તેમનો આભાર માન્યો હતો. ડો.મિશ્રાએ જણાવ્યું કે માનવતા સર્વપ્રથમ મારી ફરજ છે. બાળકોને સલામતી અને સાંત્વના આપી તેમને સંતોષ મળ્યો હોવાનો ડો.મિશ્રાએ દાવો કર્યો હતો.
બિહાર : રામનવમી હિંસા દરમિયાન ડો.અશોક કુમારે ૭૦ મુસ્લિમ બાળકોને બચાવ્યા

Recent Comments