(એજન્સી) તા.ર૬
ચૂંટણી પંચે શુક્રવારે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારબાદ જુદી-જુદી રાજકીય પાર્ટીઓએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ વખતે અમારો વિજય નિશ્ચિત છે. બિહારના મુખ્યમંત્રી કોઈના ખબર અંતર પૂછતાં નથી. નીતિશકુમારના શાસનમાં સૌથી વધુ અપરાધો થયા છે. તે ભ્રષ્ટાચારના પિતામહ છે. બિહારની જનતાએ જનાદેશના અપમાનનો બદલો લેવાનું મન બનાવી લીધું છે. અમે ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ વખતે એનડીએના સૂપડાં સાફ થઈ જશે.
કોંગ્રેસનું નિવેદન
ચૂંટણીપંચના નિર્ણયને આવકારતાં કોંગ્રેસના એમએલસી પ્રેમચંદ્ર મિશ્રાએ કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે. પરંતુ ચૂંટણી પંચે આ સ્પષ્ટ નથી કર્યું કે કોરોના વાયરસનો સામનો કેવી રીતે કરવામાં આવશે.
ભાજપનું નિવેદન
ચૂંટણી પંચની જાહેરાતનું સ્વાગત કરતા ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું હતું કે, એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે.
જે.ડી.યુ.નું નિવેદન
જેડી (યુ)ના પ્રવક્તા સંજયસિંઘે કહ્યું હતું કે ચૂંટણી જંગ માટે અમે તૈયાર છીએ. અમે બિહારના ૧ર કરોડ લોકોનો વિશ્વાસ જીતવા માટે તૈયાર છીએ. મુશ્કેલી તેમના માટે ઊભી થશે જે ખોટા વચનો સાથે ચૂંટણીમાં ઝંપલાવશે.