(સંવાદદાતા દ્વારા) સુરત, તા.ર૧
સરથાણાના સીમાડા નાકા પાસેથી બીઆરટીએસ બસનો દરવાજો ખૂલી જતાં જમીન પર પટકાયેલો મુસાફર યુવક શરીરે ગંભીર રીતે ઘવાયો હતો.જેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.જ્યાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના મોટા વરાછા ખાતે આવેલી ભુમીપૂજન રેસિડેન્સીમાં રહેતો દેવિસિંગ જીવરાજ યાદવ (ઉ.વ.૨૩) ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ સવારે સીમાડા નાકા પાસે આવેલા વનમાળી બીઆરટીએસ જંકશન પરથી બસમાં બેઠો હતો. બસમાં ગીર્દી વધુ હોવાથી તે દરવાજા પાસે ઉભો હતો. સ્ટેશનથી છૂટીને બસ થોડીક આગળ વધી હતી, ત્યારે અચાનક બસનો દરવાજો ખુલી ગયો હતો.જેથી બસના દરવાજા પાસે ઉભેલો દેવિસિંગ ચાલતી બસમાંથી નીચે રોડ ઉપર પટકાયો હતો. આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ પણ બસ ચાલકે ઉભી નહી રાખી હતી.જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલેન્સમાં સ્મીમેર હોસ્ટિપટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વધુમાં મળતી માહિતી મુજબ મરનાર દેવિસિંગ મૂળ છતીશગઢનો વતની હતો અને અપરિણીત હતો તથા મજૂરી કામ કરતો હતો. બસમાં બેસીને તે કામ અર્થે જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો.