અમદાવાદ, તા.૧૩
ગુજરાત યુનિવર્સિટીની બીએસસી ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે પ્રથમ રાઉન્ડમાં બેઠકોની ફાળવણી કર્યા બાદ ૧૦૮૬ બેઠકો ખાલી રહી છે. હવે આગામી દસ દિવસ બાદ બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ૧૦ સરકારી, ગ્રાન્ટેડ કોલેજ અને ૧પ સેલ્ફ ફાયનાન્સ કોલેજોની મળીને બીએસસી પ્રથમ વર્ષમાં કુલ ૧૦,૩પર બેઠકો પર પ્રવેશ અંતર્ગત ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત ૧૭,પ૦૦થી વધુ પિન નંબર વહેચાયા હતા. જેમાંથી ૧૬,૯૬૮ વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ વેરિફીકેશન કરાવીને સબમિટ કર્યા હતા. આ પછી યુનિ.ની એડમીશન કમિટી દ્વારા ગઈકાલે મંગળવારે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેના અંતર્ગત ૧૦,૩પર બેઠકોમાંથી ૯,ર૬૬ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આ અંગે એડમીશન કમિટીના સભ્યના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને કોલેજોની ફાળવણી કરવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીના ૪,૩૮૯ વિદ્યાર્થીઓને એસસી કેટેગરીમાં ૮૩૩ વિદ્યાર્થીને, એસટી કેટેગરીમાં ૭૪૭ વિદ્યાર્થીને, એસઈબીસી કેટેગરીમાં ૩,ર૯૭ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને બેઠકની ફાળવણી કરવામાં આવી છે તેમણે આગામી તા.૧પ જૂન સુધીમાં ફી ભરીને કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે.