(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ઈવીએમ અને વીવીપીએટી હેઠળ યોજાઈ હતી. ત્યારે બંને તબક્કાના મતદાન દરમ્યાન ઈવીએમ મશીનોમાં ગરબડના બનાવોની સંખ્યાબધ્ધ ફરિયાદો ઉઠવા પામી હતી. જે અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પંચને ફરિયાદો કરવામાં આવી હતી. બીજા તબક્કાના મતદાન વેળા કેટલાક સ્થળે જૂથ અથડામણના બનાવો પણ બન્યા હતા. આ બનાવો તથા ઈવીએમની ફરિયાદો વચ્ચે ચૂંટણીપંચ દ્વારા રાજયની જ ચાર વિધાનસભા બેઠકના છ મતદાન મથકોએ ફેર મતદાન કરવાના આદેશો જારી કર્યા છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત તા.૧૪-૧ર-૧૭ને ગુરૂવારના રોજ બીજા અને અંતિમ તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાયું હતું.
આ મતદાન બાદ ગઈકાલે તા.૧પ ડિસેમ્બરના રોજ ચૂંટણીપંચ દ્વારા પ્રસિધ્ધ કરાયેલી યાદીમાં જણાવ્યું છે કે આ બીજા તબક્કાના મતદાન પૈકી છ મતદાન મથકોના મતદાનને સને-૧૯પ૧ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ પ૮ (ર) અન્વયે ભારતના ચૂંટણીપંચ દ્વારા રદ કરવામાં આવે છે. આ આદેશ અમદાવાદ જિલ્લાની બે બેઠકો અને ઉત્તર-મધ્યગુજરાતની બેઠકો માટે જારી કરવામાં આવ્યો હતો.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જે છ મતદાન કેન્દ્રોના મતદાન રદ કરવામાં આવ્યા છે તેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જે બેઠકો છે તેમાં ૧૧-વડગામ (એસસી) બેઠકના ૧૧ર- છનિયારા-૧ અને ૧૧૩ છનિયારા-ર મતદાન કેન્દ્ર તથા અમદાવાદ જિલ્લાની ૩૯ વિરમગામ બેઠકના ર૩૯ વિરમગામ-ર૭ મતદાન કેન્દ્ર તેમજ પ૭- દસક્રોઈ બેઠકના ૧પ- નવા નરોડા-૧પ મતદાન કેન્દ્ર ઉપરાંત વડોદરા જિલ્લાની ૧૩પ-સાવલી બેઠકના ૬૬- ન્હારા-૧ અને ર૪૪ સાંકરડા-૭ મતદાન મથકના મતદાનને રદ કરવામાં આવ્યા છે.
ચૂંટણીપંચ દ્વારા હવે આ છ મતદાન કેન્દ્રો માટે આગમી તા.૧૭ ડિસેમ્બરને રવિવારના રોજ સવારે ૮થી સાંજે પ વાગ્યા દરમ્યાન નવેસરથી મતદાન કરવામાં આવશે. આ અંગે સંબંધિત રાજકીય પક્ષો અને સંબંધિત મતદાર વિભાગોના ઉમેદવારોને તેમજ મતદાન મથકના મતદારોને નોંધ લેવા રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી. સ્વૈને જણાવ્યું છે.