નવી દિલ્હી, તા.ર૮

આઈપીએલની સંચાલન પરિષદની બેઠક બે ઓગસ્ટે થઈ શકે છે. જેમાં આ વર્ષે સંયુકત આરબ અમિરાત (યુએઈ)માં આયોજિત થનારી ટુર્નામેન્ટના કાર્યક્રમને અંતિમરૂપ આપવામાં આવશે અને અન્ય વ્યવસ્થાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. કોરોના વાયરસના કારણે આ ટુર્નામેન્ટનું આયોજન દેશની બહાર કરવામાં આવી રહ્યું છે. ટુર્નામેન્ટ ૧૯ સપ્ટેમ્બરથી આઠ નવેમ્બર દરમ્યાન રમાશે. બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, આઈપીએલ સંચાલન પરિષદની બેઠક બે ઓગસ્ટે થઈ શકે છે. આશા છે કે બેઠક બાદર્ ફ્રેન્ચાઈઝીઓને એસઓપી સોંપી દેવામાં આવશે. આ બેઠકમાં બીસીસીઆઈના ટોચના અધિકારીઓના ભાગ લેવાની સંભાવના છે. જેમાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ પણ સામેલ છે. આમા વિભિન્ન હિતધારકો સાથે જોડાયેલા મુદ્દાની પણ ચર્ચા થશે. આ આઈપીએલમાં એક દિવસમાં બે મેચોનું આયોજન ઓછું થશે જેથી પ્રચારકોને ફાયદો થશે. મેચોનું આયોજન ખાલી સ્ટેડિયમોમાં થશે. આવામાં ફેન્ચાઈઝીઓને ગેટમનીથી થનારા નુકસાનની પણ ચર્ચા થશે. ખેલાડીઓને પરિવારોને સાથે લઈ જવાની મંજૂરી આપવાના મુદ્દે પણ ચર્ચા થશે. એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ કહ્યું કે બે મહિના માટે ખેલાડીઓને તેમની પત્ની અથવા પરિવારથી દૂર રાખવા ખોટું છે.