સિડની, તા.૮
ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત ખત્મ થઈ છે, ત્યાં સુધી ભારતે ૨ વિકેટ ગુમાવીને ૯૬ રન બનાવી લીધા છે. કેપ્ટન આંજિક્ય રહાણે ૫ અને ચેતેશ્વર પુજારા ૯ રન બનાવીને રમી રહ્યા છે. ઑસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સે ૧-૧ વિકેટ ઝડપી છે. ભારત હજુ પણ ઑસ્ટ્રેલિયાથી ૨૪૨ રન પાછળ છે. ભારતની ઇનિંગનું આકર્ષણ યુવા બેટ્‌સમેન શુભમન ગિલ રહ્યો. તેણે પોતાના કેરિયરની ત્રીજી ઇનિંગમાં મજબૂત ઑસ્ટ્રેલિયા સામે શાનદાર અડધી સદી ફટકારી. ગિલે કમિન્સની ઑવરમાં આઉટ થતા પહેલા ૧૦૧ બૉલમાં ૮ ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા. ગિલે પહેલી વિકેટ માટે રોહિત શર્મા સાથે ૭૦ રનની ભાગેદારી કરી. રોહિતે ૭૭ બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૨૬ રન બનાવ્યા. તેની વિકેટ જોશ હેઝલવૂડે ઝડપી.
આ પહેલા દિગ્ગજ ઑસ્ટ્રેલિયન બેટ્‌સમેન સ્ટીવ સ્મિથની ૨૭મી ટેસ્ટ સદીની મદદથી ઑસ્ટ્રેલિયાએ રવિન્દ્ર જાડેજાની શાનદાર બૉલિંગ છતાં ભારતની વિરૂદ્ધ પહેલી ઇનિંગમાં ૩૩૮ રન બનાવ્યા છે. સ્મિથે ૧૩૧ રન બનાવ્યા, જેના માટે તેણે ૨૨૬ બૉલનો સામનો કર્યો અને ૧૬ ચોગ્ગા લગાવ્યા. તેના સિવાય માર્નસ લાબુશેન (૯૧) અને પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા પુકોવસ્કીએ ૬૨ રનનું યોગદાન આપ્યું. સ્મિથ અને લાબુશેને ત્રીજી વિકેટ માટે ૧૦૦ રનની ભાગેદારી કરી.
જાડેજાએ લાબુશેનને સદીથી વંચિત રાખ્યો, ત્યારબાદ ઑસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી. જાડેજાએ ૬૨ રન આપીને ૪ વિકેટ લીધી. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહેલા નવદીપ સૈનીએ ૨-૨ વિકેટ લીધી. મોહમ્મદ સિરાજને ૧ વિકેટ મળી હતી. જાડેજાએ એક જબરદસ્ત થ્રો કરીને સ્મિથને રન આઉટ કરી ઑસ્ટ્રેલિયન ઇનિંગનો અંત લાવ્યો હતો.
ભારતીય બોલર્સની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ મેચની પહેલી ઈનિંગ્સમાં સૌથી વધારે ૧૮ ઓવરમાં ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે નવદીપ સૈની અને જસપ્રીત બુમરાહને ૨-૨ વિકેટ મળી હતી અને મોહમ્મદ સિરાજને ૧ વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિન થોડો ઓછો અસરદાર રહ્યો હતો અને તેને એકપણ વિકેટ મળી શકી નહોતી.