(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
રાજયસભાની ચૂંટણીને લઈ રાજયમાં રાજકીય માહોલ ગરમ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા જરૂરી મતો અંકે કરવાની મહેનતમાં લાગી પડયા છે. ત્યારે બીટીપીના બે મતો માટે બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીટીપીના ધારાસભ્યે કહી દીધું છે કે, અમારી શરતો જે પક્ષ મંજૂર રાખશે તેને મત આપીશું. ભાજપ -કોંગ્રેસ બંને પક્ષો રાજયસભાની ચૂંટણી ટાણે જ અમારી પાસે આવે છે વિધાનસભામાં આજે આવેલ બીટીપીના મહેશ વસાવા ચાલુ પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન જ ગૃહમાંથી બહાર નીકળી જતા અટકળો સાથે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની રાજનીતિ પણ ગરમાઈ રહી છે. ત્યારે બીટીપીના એમએલએ મહેશ વસાવા અંગે રાજનૈતિક હલચલ દેખાઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ ગાંધીનગરમાં રાજકીય સળવળાટ વચ્ચે આજે બીટીપીના એમએલએ મહેશ વસાવા પ્રશ્નોત્તરી કાળ છોડી ગૃહમાંથી બહાર નીકળી જતાં અને એ જ વખતે મુખ્યમંત્રી પણ બહાર જતાં ચર્ચાઓ થઈ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી અંગે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ નિવેદન આપ્યું હતું કે ભાજપ – કોંગ્રેસ ગરીબોનું કામ કરતા નથી. ગુજરાતમાં સૌથી વધુ બેકારી છે. અહીં આંદોલનો પણ થાય છે. રાજ્યસભા સમયે બંને પક્ષ અમારી પાસે આવે છે. ત્યારે હવે બીટીપીના એમએલએ મહેશ વસાવાને લઈન કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે.
બીટીપીના એમએલએ મહેશ વસાવાએ જણાવ્યું છે કે, અમારી શરતો જે પક્ષ મંજૂર રાખશે તે પક્ષને મત આપીશું. આમ પણ આ ચૂંટણીમાં બીટીપીના બે મતનું મહત્વ ખૂબ વધી ગયું છે. જેથી આ બે મત માટે પણ કોંગ્રેસ-ભાજપ બંને છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાના સંપર્કમાં છે અને તેમને મનાવવા બંને પક્ષોના આગેવાનો માલજીપરા દોડી રહ્યા છે.
ત્યારે આજે વિધાનસભા ગૃહમાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા પ્રશ્નોત્તરીકાળ વખતે વિધાનસભા છોડીને બહાર નીકળતા ચર્ચાઓ શરૂ થઈ હતી. વિધાનસભામાંથી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા રવાના થતાંની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર પણ વિધાનસભાથી રવાના થયા હતા. આ જોગાનુજોગ હતું કે સૂચક તે અંગે વિધાનસભામાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. બીટીપી અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસને બંને મત મળશે એમ કહી રહ્યા છે છતાં સામે ભાજપ તરફથી પણ બીટીપીના મતો મળવાનો દાવો કરાઈ રહ્યો છે.